દિલ્હીમાં લોકોને મતદાન મથક પર જ વેક્સિન આપવામાં આવશે

130

(સં.સ.સે.) નવી દિલ્હી, તા. ૭
દેશની રાજધાની દિલ્હીમાં વેક્સિનેશનની ઝડપ વધારવામાં આવી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે જણાવ્યું કે, જો કેન્દ્ર તરફથી સતત વેક્સિન મળતી રહેશે તો ૪૫ વર્ષથી વધારે ઉંમરના લોકોને ૧ મહિનામાં વેક્સિન આપી દેવામાં આવશે. અરવિંદ કેજરીવાલના કહેવા પ્રમાણે ૪૫ વર્ષ કરતા વધારે ઉંમરના લોકોના સેન્ટર્સ પર ખૂબ ઓછા લોકો આવી રહ્યા છે. દિલ્હી સરકાર હવે લોકોના ઘરે-ઘરે જઈને વેક્સિનેશન માટે વિનંતી કરશે. હવે લોકોને પોલિંગ સેન્ટર્સ પર જ વેક્સિનેશનની સુવિધા આપવામાં આવશે જેથી લોકોને વેક્સિન લેવામાં કોઈ મુશ્કેલી ન પડે.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, શરૂઆતમાં ૭૦ વોર્ડમાં આ શરૂ કરવામાં આવશે. પ્રતિ સપ્તાહ ૭૦ વોર્ડમાં આ અભિયાન ચલાવવામાં આવશે. આ રીતે ૪ સપ્તાહમાં આ અભિયાન શરૂ કરવાનો પ્રયત્ન છે. બૂથ લેવલ ઓફિસર્સ હવે લોકોના ઘરે જશે, ૪૫ પ્લસવાળા લોકો અંગે પુછશે અને વેક્સિન અપાવશે. જો કોઈને વેક્સિન ન મળી હોય તો ઓફિસર તેમને સ્લોટ આપીને આવશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પોલિંગ બૂથ ઓફિસર આગામી ૨ દિવસ પોત-પોતાના બૂથના ઘરોમાં જશે, આગામી ૨ દિવસના સ્લોટ આપીને આવશે અને પછી બધાને વેક્સિન અપાશે. દરેક સપ્તાહે આ પ્રક્રિયા ચાલશે. ૪ સપ્તાહમાં બધા લોકોને કવર કરી લેવામાં આવશે.