ભાવનગર જિલ્લાના બુધેલ ગામના વાડી વિસ્તારમાં વીજ પુરવઠો નહીં મળતા પીજીવીસીએલ કચેરીએ ખેડૂતોએ માંગ કરી

974

ભાવનગર જિલ્લામાં આવેલ તોઉ-તે વાવઝોડાના ૨૫ દિવસ વિત્યા છતાં પણ હજી સુધી બુધેલ ગામના ખેડૂતોને વાડી વિસ્તારોમા લાઈટથી વંચિત રહેવા પામ્યા છે. બુધેલ ગામના લોકો આજરોજ ચાવડી ગેઇટ ખાતે આવેલ પીજીવીસીએલ કચેરીને રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા.
ભાવનગરમાં ૧૮ મે ના રોજ તાઉ-તે વાવાઝોડાને કારણે અનેક વીજ પોલ ઘરાશાઈ થયા હતા. જેને કારણે અનેક ગામો વીજળીથી વંચિત રહ્યાં હતાં. અને આજરોજ બુધેલ ગામના ખેડૂતો દ્વારા ચાવડી ગેઈટ ખાતે આવેલી પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવા દોડી આવ્યા હતા અને અધિકારીનેજણાવ્યું હતું કે અમારા વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી લાઈટથી વંચિત છીએ. ભાવનગર ગ્રામ્યમાં હેઠળ ચાર તાલુકા આવે છે. જેમાં વલ્લભીપુર, સિહોર, ઉમરાળા અને ભાવનગર ગ્રામ્ય વિસ્તારોમાં ૭૧ ખેતીવાડી ફિટર આવેલા છે. મોટાભાગના વાડી વિસ્તારમાં ફિટર ચાલુ થઈ ગયા છે અને અમુક જ ફિટર બાકી રહ્યાં છે. જેનું કામ ચાલુ છે. બીજા ફેઈઝમાં અમુક વાડી વિસ્તારોમાં જ બાકી રહ્યાં છે જે ૨૦ જૂન પહેલા પુરા થઈ જશે.
ખેડૂત લક્ષમણભાઈ દેસાઈ દ્વારા જણાવ્યું હતું કે લાઈટ ન હોવાને કારણે મોટર દ્વારા પાણી ખેંચાઈ શકતું નથી. જેને લીધે ઢોરને પીવાના પાણી આપી શકતા નથી, અમે બહારથી જનરેટર લાવીને પાણી પાઈ રહ્યાં છીએ. આવનારા દિવસોમાં ચોમાસું બેઠી રહ્યું છે. ત્યારે વહેલી તકે જો લાઈટ વાડી વિસ્તારમાં મળે તો અમે વાવેલું બચાવી શકાય છે.
બુધેલ ગામના ખેડૂત રણછોડભાઈએ જણાવ્યું હતું કે તોઉ-તે વાવાઝોડાને કારણે છેલ્લા એક મહિનાથી વાડી વિસ્તારમાં લાઈટથી વંચિત છીએ, લાઈટ ન હોવાને કારણે પશુને પાણી પાઇ શકાતું નથી, અત્યારે વાવણી માટે વાડીઓતો તૈયાર થઈ ગઈ છે. બિયારણ રોપાય ગયા છે, પણ લાઈટ ન હોવાને કારણે પાણી પાઇ શકાતું નથી. તાત્કાલિક લાઈટ ચાલુ થાય તેવી અમારા ખેડૂતોની માંગ છે.
પીજીવીસીએલના એક્ઝિક્યુટીવ એન્જિનિયર પી.સી.પંચાલે જણાવ્યું હતું કે તોઉ-તે વાવાઝોડાને કારણે ભાવનગર રૂરલ ડિવિઝનના અનેક ગામોમાં હેવી ડેમેજ હતું. જેના કારણે સૌથી પેહલા ગામમાં લાઈટ આપવામાં આવી હતી. તમામ ગામોમાં ૪૮ કલાકમાં જ લાઈટ આપી દેવામાં આવી હતી. રૂરલ વિસ્તારમાં ૩ થી ૪ હજાર વીજ પોલ ઘરાશાઈ થયા હતા. અત્યારે સુધીમાં ૭૫ ટકા જેટલા ગ્રામ્ય વિસ્તારોના વાડીમાં વીજ પુરવઠો કાર્યરત કરી ચુક્યા છીએ. હજી બાકી ફરિયાદો મળી રહી છે જે ફરિયાદોને આધારે તાત્કાલિક ફરિયાદની નિકાલ કરી રહ્યાં છીએ. અમુક વાડી વિસ્તારોમાં અમે નથી પહોંચી શક્યા તેનું કારણ એ છે કે મેઈન લાઈનમાં ટ્રાન્સફોર્મર પડી ગયા છે. આગામી ૨૦ તારીખ સુધીમાં તમામ ખેતીવાડી વિસ્તારમાં વીજ પુરવઠો મળી રહે તેવા અમારો પ્રયાસ છે.

Previous articleભાવનગરમાં ત્રણ વિવિધ તળાવ ખાતે વોટર સ્કૂટર રાઈડની મજા માણી શકશે, નવા આકર્ષણો પર પણ મંજૂરી અપાઇ
Next articleભાવનગરના તળાજા, મહુવા, જેસર તાલુકામાં પિયતની સગવડ ધરાવતાં ખેડૂતોએ ખરીફ પાકોનું આગોતરા વાવેતરના શ્રીગણેશ કર્યા