તારાપુર નજીક અકસ્માતમાં ભાવનગરનાં ૯ લોકોના મોત

790

તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ પાસે આજે વહેલી સવારે ૬.૨૦ કલાકે ઇકો કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત થતા માસુમ બાળકી સહીત ૯ વ્યક્તિઓના ઘટનાં સ્થળે મોત નિપજ્યા હતા. મૃતકો તમામ ભાવનગરનાં વરતેજનાં અજમેરી પરિવારનાં છે અને સુરતથી ભાવનગર આવી રહ્યા હતા. આકસ્માતનો બનાવ બનતા ઘટનાંસ્થળે લોકોનાં ટોળા એકઠા થયા હતા અને તુરંતજ પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ ઘટનાંસ્થળે દોડી ગયો હતો. અકસ્માતનાં પગલે તારાપુર હાઇ-વે પર ટ્રાફીક જામ થયો હતો. જ્યારે ઇકો કારમાં ફસાયેલા મૃતકોનાં મૃતદેહને બહાર કાઢી પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યા હતા.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના વરતેજ ખાતે આદમજીનગર અને ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા મુસ્લીમ અજમેરી પરિવાર સુરતથી ઇકો કાર લઇને ભાવનગર આવી રહ્યો હતો વહેલી સવારે ૬.૨૦ કલાકે તારાપુર નજીક ઇન્દ્રણજ પાસે પહોંચતા મોરબીથી આવી રહેલ ટ્રક સાથે ધડાકોર અકસ્માત થયેલ. અકસ્માત એટલો જોરથી થયેલ જેમાં ઇકો કારનું જાણે કે પડીકું વળી ગયેલ અને તેમાં બેસેલા તમામ ૯ વ્યક્તિઓના ઘટનાંસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. જેમાં એકાદ-બે મૃતદેહો કારની બહાર ફંગોળાયા હતા જ્યારે અન્ય તમામના મૃતદેહો કારમાં ફસાયા હતા.

અકસ્માતની જાણ થતા લોકોનાં ટોળા એકઠા થયા હતા અને ડિવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી કરેલ અને તમામને પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડાયેલ. અકસ્માતતનાં બનાવની જાણ ભાવનગર થતાં અજમેરી સહિત મુસ્લિમ પરિવારમાં શોકનું મોજુ ફરિ વળ્યું હતું. મુસ્તુફા ડેરૈયા, સિરાજભાઇ અજમેરી, મુમતાજબેન અજમેરી, રઇશ સિરાજભાઇ અજમેરી, અનિષા અલ્તાફભાઇ અજમેરી, મુસ્કાન અલ્તાફભાઇ અજમેરી, તથા ડ્રાઈવર રાઘવ ઉર્ફે ઉકાભાઈ ગોહેલ, રહે. સિદસરવાળા હોવાનું જાણવા મળેલ છે. અકસ્માતનાં બનાવ અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ટિ્‌વટ કરી શ્રધ્ધાજંલી પાઠવી હતી. અને યોગ્ય મદદ કરવા તંત્રને સુચના આપવામાં આવી હતી. જ્યારે રાજ્યના પૂર્વ મંત્રી અને કોંગ્રેસ સાંસદ પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે પણ મૃતકોને શ્રધ્ધાજંલી પાઠવી હતી અને માર્ગ અકસ્માતોનાં બનાવો રોકવા પ્લાન બનાવો જરૂરી હોવાનું જણાવેલ.