મનસુખ હિરન કેસમાં દ્ગૈંછએનો સપાટો, પૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્માની ધરપકડ

510

(જી.એન.એસ.)મુંબઇ,તા.૧૭
રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ગુરૂવારના પૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્માના મુંબઈ સ્થિત ઘર પર દરોડા પાડ્યા. મનસુખ હિરેન કેસમાં પ્રદીપ શર્માની પૂછપરછ કરવામાં આવી. આ દરમિયાન પ્રદીપ શર્માના ઘર પર તપાસ કરવામાં આવી. અનેક કલાકોની પૂછપરછ બાદ પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પૂર્વ એસીપી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને કસ્ટડીમાં લીધા હતા. શર્માના ઘરે સવારે રેડ પાડવામાં આવી અને તેમની સાથે ઘર પર જ પૂછપરછ થઈ.
ઉલ્લેખનીય છે કે એન્ટિલિયા કેસ અને મનસુખ હિરેન મર્ડર કેસમાં ધરપકડ થયેલા પોલીસ અધિકારી સચિન વઝેનું કનેક્શન પ્રદીપ શર્મા સાથે જોડાયેલું છે. બંને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં એક સાથે કામ કરી ચુક્યા છે. મનસુખ હિરેનની હત્યાના દિવસે સચિન વઝેનું લોકેશન પ્રદીપ શર્માના ઘરની નજીક મળ્યું હતુ. ત્યારબાદ પ્રદીપ શર્મા એનઆઈએની રડારમાં આવી ગયા હતા. આ પહેલા પ્રદીપ શર્મા સાથે એનઆઈએ દક્ષિણ મુંબઈમાં પોતાની ઑફિસમાં ૨ દિવસ સુધી પૂછપરછ કરી હતી.
સૂત્રો પ્રમાણે શર્માને અન્ય આરોપીઓના નિવેદનનોના આધારે ધરપકડ કરવામાં આવ્યા છે, જેમાં તેમનું નામ અને પુરાવા ટેકનિકલ ડેટા તરીકે આતંકવાદ અને હત્યામાં તેમની સંભવિત ભૂમિકા તરફ ઇશારો કરે છે. એનઆઇએએ આ પહેલા પૂર્વ પોલીસ અધિકારીઓ સચિન વાઝે, રિયાઝુદ્દીન કાઝી, સુનીલ માને, પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને ક્રિકેટ સટ્ટેબાજ નરેશ ગૌરની ધરપકડ કરી હતી. તાજેતરમાં જ સંતોષ શેલાર અને આનંદ જાધવની પણ ધરપકડ કરી હતી. એનઆઇએએ એ કહ્યું આ બંને એન્ટિલિયા પાસે વિસ્ફોટકોવાળી એક એસયુવી ઉભી કરવાના ષડયંત્રમાં સામેલ હતા.
મનસુખ હિરેનની હત્યાના કેસમાં અરેસ્ટ કરવામાં આવેલા પૂર્વ કૉન્સ્ટેબલ વિનાયક શિંદે પણ શર્માના નજીકના રહ્યા છે. એનઆઇએ દ્વારા આ રેડ અંધેરી ઈસ્ટના ભગવાન ભવન એપાર્ટમેન્ટમાં થઈ રહી છે. સૂત્રો પ્રમાણે શર્માના મોબાઇલ ફોન, લેપટોપ સહિત અનેક ઇલેક્ટ્રોનિક ગેજેટ્‌સને એનઆઇએએ જપ્ત કર્યા છે. શિવસેનાની ટિકિટ પર ચૂંટણી લડી ચુકેલા શર્મા થાણેની એન્ટી એક્સટોર્શન સેલમાં રહી ચુક્યા છે. ૯૦ના દાયકામાં તેમને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ ટીમને અંડરવર્લ્ડનો સફાયો કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. અહીંથી શર્મા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ બન્યા.

Previous articleભારતની કોવેક્સિનને WHO દ્વારા જલ્દી અપ્રૂવલ મળે તેવી શક્યતા
Next articleતળાજાના વાડી વિસ્તારમાં તાઉ-તે વાવાઝોડા બાદ વીજપુરવઠો પૂર્વવત ના થતા ધારાસભ્યએ ઉપવાસ શરૂ કર્યા