ભાવનગરના જિલ્લા કલેક્ટરની આતશબાજી સાથે વિદાય : નવા કલેક્ટરે ચાર્જ સંભાળ્યો

459

ભાવનગર જિલ્લા કલેક્ટર તરીકે છેલ્લા પોણા બે વર્ષથી સેવા આપતા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અમરેલી જિલ્લા ક્લેક્ટર તરીકે બદલી થઇ છે. તેમણે આજે ચાર્જ છોડતા તેઓને અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આતશબાજી કરી ભવ્ય વિદાય આપવામાં આવી હતી. તેઓ અમરેલી જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળશે. ભાવનગર ખાતે કલેક્ટર તરીકે નિયુક્ત કલેક્ટર યોગેશ નીરગુડેએ આજે વિધિવત રીતે કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. ચાર્જ સંભાળ્યાં બાદ નવનિયુક્ત કલેક્ટરે જિલ્લાના નાગરિકોની સમસ્યાઓને વાચા આપીને તેમના પ્રશ્નોનું સુખદ સમાધાન કરીને જિલ્લાની વિકાસ ગતિને આગળ વધારવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે.

તેમણે જણાવ્યું છે કે, મારી અગાઉના પુરોગામીઓએ સારું કાર્ય કરેલું છે તેને વધુ ઉંચાઇ પર લઇ જવાની મારી નૈતિક જવાબદારી રહેશે. અગાઉ જે વિકાસના કાર્યો ચાલું હતાં તેમાં ગતિ લાવીને તે ઝડપથી પુરા થાય અને લોક ઉપયોગી બને તે મારી પ્રાથમિકતા રહેશે.કલેક્ટરે વધુમાં ઉમેર્યું કે, અત્યારે કોરોનાકાળ ચાલી રહ્યો છે અને કોરોનાના વરવાં પરિણામો આપણે જોયાં છે.તેથી કોરોનાની સારવારને લગતી વ્યવસ્થા સુદ્‌ઢ રીતે ચાલે, તેનું યોગ્ય મોનીટરિંગ થાય અને લોકોને ઉત્તમ સારવાર મળે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાને પ્રાથમિકતા આપીશ. ઉલ્લેખનીય છે કે, કલેક્ટરશ્રી ૨૦૧૩ ની બેચના ભારતીય વહીવટી સેવાના અધિકારી છે. તેઓ આ અગાઉ ગાંધીનગર ખાતે એમ.એસ.એમ.ઇ. ના કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે. ત્યારબાદ તેઓ ભાવનગરમાં જ નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર તરીકેની ફરજ અદા કરતાં હતાં. તેથી તેઓ ભાવનગરની ભૃપુષ્ઠ અને સમગ્ર વહીવટી તંત્રથી જાણકાર છે. તેથી ભાવનગરની જનતાને તેમના અનુભવનો લાભ મળશે.

Previous articleઘોઘા તાલુકાના ગોરીયાળી ગામે સગા મોટા ભાઈએ તેના નાના ભાઈની હત્યા કરી
Next articleવલસાડ પોલીસ સ્ટેશનમાં એક વર્ષથી વોન્ટેડ શખ્સ ગારિયાધારથી ઝડપાયો