જમ્મુ મિલિટ્રી સ્ટેશન પર બે ડ્રોન દેખાતા સૈન્યનું ફાયરિંગ

659

સેનાના ફાયરિંગ બાદ આ ડ્રોન ગાયબ થઈ ગયા, હાલ સેના સર્ચ ઓપરેશન દ્વારા આ ડ્રોનની તપાસ કરી રહી છે (સં. સ. સે.) નવી દિલ્હી, તા. ૨૮
આતંકવાદીઓએ ફરી એક વખત ડ્રોન દ્વારા સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કર્યો છે. જમ્મુમાં એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલાના એક દિવસ બાદ ફરી આતંકવાદીઓએ મિલિટ્રી સ્ટેશન પર પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો છે. જાણવા મળ્યા મુજબ જમ્મુના કાલૂચક મિલિટ્રી સ્ટેશન પર સવારે ૩ઃ૦૦ વાગ્યે ૨ ડ્રોન દેખાયા હતા. જોકે સેના એલર્ટ હતી અને ડ્રોન દેખાતા જ સેનાએ તેના પર ૨૦થી ૨૫ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. વહેલી સવારે ૩ઃ૦૦ વાગ્યા આસપાસ કાલૂચક મિલિટ્રી સ્ટેશન પર આ ડ્રોન દેખાયા હતા. તેને જોતા જ સેનાના જવાનોએ ૨૦થી ૨૫ રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. ફાયરિંગ બાદ આ ડ્રોન ગાયબ થઈ ગયા હતા. હાલ સેના સર્ચ ઓપરેશન દ્વારા આ ડ્રોનની તપાસ કરી રહી છે. જમ્મુ એરપોર્ટ ખાતે આવેલા એરફોર્સ સ્ટેશન અંદર રવિવારે મોડી રાતે ૨ વિસ્ફોટો થયા હતા. પહેલો વિસ્ફોટ રાતે ૦૧ઃ૩૭ કલાકે થયો હતો અને તેની ૫ મિનિટ બાદ બીજો વિસ્ફોટ થયો હતો. જોકે આ બંને વિસ્ફોટોના કારણે ખાસ કોઈ નુકસાન નહોતું થયું. વાયુસેનાએ ટ્‌વીટમાં લખ્યું હતું કે, પહેલો વિસ્ફોટ બિલ્ડિંગની છત પર અને બીજો વિસ્ફોટ જમીન પર થયો હતો. વિસ્ફોટના કારણે ફક્ત બિલ્ડિંગની છતને જ નુકસાન થયું છે અને વાયુ સેનાના ૨ કર્મચારીઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે. પહેલી વખત આતંકવાદીઓ દ્વારા આ પ્રકારનો ડ્રોન હુમલો થયો છે અને એનઆઈએ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે.