સાત વર્ષ પહેલા ૧૨ કરોડની ગ્રાન્ટ ફાળવવામા આવી હતી
ભાવનગર જીલ્લાના વલ્લભીપુર સરકારી કોલેજની પરત ગયેલી ગ્રાન્ટ ફરીવાર મંજુર કરવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ભાવનગરના સાંસદ અને શિક્ષણ મંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી.વલ્લભીપુરના ભાવેશ નરશીભાઈ ગાબાણીએ વલ્લભીપુરમાં આવેલ સરકારી કોલેજની પરત ગયેલી ગ્રાંટને ફરીવાર મંજુર કરાવવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખી ને રજુવાત કરવામાં આવી છે કે હાલ ચોમાસું સિઝન છે અને ટુક સમયમાં શાળા-કોલેજો શરૂ થશે તો આ ગ્રાંટ વહેલી તકે મંજુર કરવામાં આવે અને શિક્ષણક્ષેત્ર ને મહત્વ આપી વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને લઇ શિક્ષણ માટે પરત ગયેલી ૧૨ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફરી મંજુર કરવા વિનંતી છે.આજથી અંદાજે સાત વર્ષ પૂર્વે કોલેજનાં મકાન માટે સરકારમાંથી રૂ.૧૨ કરોડ જેટલી રકમ સાથે શહેરની હેલીપેડ તરીકે ઓળખાતી વિશાળ જગ્યા પણ ફાળવવામાં આવી હતી, પણ આ રકમ સ્થાનિક ધારાસભ્યની નિષ્ક્રિયતાને કારણે સમય મર્યાદામાં નહિ વપરાતા સરકારમાં પરત ગઈ હતી. જ્યાં વલ્લભી વિદ્યાપીઠના અનુગામી શિક્ષણ ક્ષેત્ર માટે કલંકરૂપ છે. આજે દસ વર્ષ જેટલો સમય પસાર થઇ ગયો હોવા છતાં કોલેજનાં બિલ્ડીંગનું કોઈ સરનામું નથી, કોલેજની સ્થાપના કરવામાં જિલ્લાનું ગંદુ રાજકારણ વિલન બની ગયુ છે. વલ્લભીપુર તાલુકો વિકાસની દ્રષ્ટિ એ અનેક બાબતો માં પછાત રહ્યો છે. સામાન્ય રીતે ગામડાઓમાં જેટલા ધોરણની વ્યવસ્થા હોય ત્યાં સુધી જ વાલીઓ પોતાના બાળકોને ભણવતા હોય છે, ત્યાર બાદ ઉચ્ચ શિક્ષણ માટે અન્ય મોટા શહેરમાં મોકલવા દરેક વાલીઓને ખર્ચ કરવો પોસાય નહિ, ત્યારે તાલુકા નાં ગામડાઓને વલ્લભીપુર શહેરમા સરકારી કોલેજ નાં બિલ્ડીંગ નું નિર્માણ થાય તો અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચસ્તર શિક્ષણ લેવા તૈયાર થશે સાથે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનશે.
















