કપૂર ફેમિલીના અન્ય એક ચહેરાની બોલિવૂડમાં એન્ટ્રી

200

શશિ કપૂરના પુત્ર કુણાલ કપૂર અને શીનાના પુત્ર જહાન કપૂરની એક થ્રિલર-એક્શન ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૬
બોલીવુડમાં કપૂર પરિવારના યોગદાનને કોઇ ભૂલી શકે એમ નથી. પેઢીની પેઢીઓ બોલીવુડમાં અભિનય આપી ચૂકી છે અને હવે અન્ય કપૂર પરિવારનો અન્ય એક સભ્ય બોલીવુડમાં નસીબ અજમાઇ રહ્યો છે.બોલીવુડના દિવંગત અભિનેતા શશિ કપૂરનો પૌત્ર જહાન પૃથ્વીરાજ કપૂર એક થ્રિલર ડ્રામા થકી બોલીવુડમાં ડેબ્યૂ કરવાની તૈયારી કરી રહ્યો છે. કુણાલ કપૂર અમે શીનાનો પુત્ર જહાન કપૂર બોલીવુડમાં કપૂર પરિવારની વિરાસતને આગળ વધારવાની ચાહના સાથે ડેબ્યૂ કરી રહ્યો છે.મોટા બજેટ સાથ બનાવવામાં આવી રહેલી આ એક્શન-ડ્રામા ફિલ્મને અનુભવ સિન્હા પ્રોડ્યૂસ કરશે અને હંસલ મહેતા ડાયરેકટ કરશે. ફિલ્મમાં આદિત રાવલ પણ મહત્વના રોલ કરી રહ્યો છે. જહાન અને આદિત્યને ફિલ્મમેકર્સે તૈયાર કર્યા છે અને બંનેએ પોતાના કિરદારને ન્યાય આપવા માટે મહિનાઓની તાલીમ પણ લીધી છે. ફિલ્મ વિશે વાત કરતાં અનુભવ સિન્હાએ કહ્યું કે, જહાન અને આદિત્ય તેમના રોલ માટે નવી ઉર્જા અને ઉત્સાહથી ભરેલા છે. હંસલ અને હું આ માનવીય કહાણીમાં નવા એક્ટર્સને લાવવા ઇચ્છતા હતા કારણ કે દર્શકોને અનુભવ થાય કે તેઓ સ્ટારને નહીં પરંતુ એક કિરદારને જોઇ રહ્યા છે. આ ફિલ્મની શૂટિંગ શરુ થઇ ચૂકી છે.
ફિલ્મના ડાયરેક્ટર હંસલ મેહતાનું કહેવુ છે કે, સ્ટોરી સાંભળતાની સાથે જ આ ફિલ્મ નવા ચહેરા સાથે કરવા માટે હું ઉત્સુક હતો. જહાન અને આદિત્ય બંને તેમની પ્રતિભા અને ક્ષમતાના આધારે પસંદ કરવામાં આવ્યા છે. તેમના પાત્રો ભજવવા પણ થોડા મુશ્કેલ છે અને આશા છે કે, દર્શકો પણ ફિલ્મને પસંદ કરશે.આ ફિલ્મના શીર્ષકની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી, પરંતુ માનવામાં આવે છે કે ટૂંક સમયમાં જ અનુભવ સિન્હા, ભૂષણ કુમાર અને હંસલ મેહતા ફિલ્મ ટાઇટલની જાહેરાત કરી શકે છે.