સિંગર રાહુલ વૈદ્ય-દિશાના લગ્નની તારીખ થઈ નક્કી

645

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૭
બે અઠવાડિયા પહેલા, રાહુલ વૈદ્યએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, તે ખૂબ જ જલ્દી તેના લગ્નની તારીખ જાહેર કરવાની આશા રાખી રહ્યો છે. હવે, જાણ થઈ છે કે રાહુલ વૈદ્ય તેની લેડી લવ-એક્ટ્રેસ દિશા પરમાર સાથે ૧૬ જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યો છે. આ ખૂબ જ ખાનગી રીતે કરવામાં આવશે અને લગ્નમાં માત્ર ગણ્યા ગાંઠ્‌યા લોકોને આમંત્રિત કરવામાં આવશે.રાહુલ વૈદ્યએ જણાવ્યું ’હું અને દિશા હંમેશાથી નજીકના સભ્યોની હાજરીમાં લગ્ન કરવાની તરફેણમાં હતા. અમે ઈચ્છીએ છીએ કે અમારા જીવનના ખાસ દિવસે પ્રિયજનો ઉપસ્થિત રહે અને અમને આશીર્વાદ આપે. લગ્ન વૈદિક વિધિ પ્રમાણે થશે અને સેરેમનીમાં ગુરબાની શબદ કીર્તન પણ કરવામાં આવશે.
દિશાએ ઉમેર્યું ’અમારા માટે આદર્શ લગ્ન એ ખૂબ સાદગીથી લગ્ન કરવા છે. લગ્ન એ બે વ્યક્તિઓનો મેળાપ છે અને તે પણ પરિવારના સભ્યો તેમજ પ્રિયજનોની હાજરીમાં. હું હંમેશાથી સાદગીથી લગ્ન કરવા ઈચ્છતી હતી અને ખુશી છે કે અમે કે તરફ જ આગળ જઈ રહ્યા છીએ, કપલ હાલ લગ્ન માટે અંતિમ તૈયારીઓમાં વ્યસ્ત છીએ.રાહુલ અને દિશાની વાતચીત ઈન્સ્ટાગ્રામ પર સપ્ટેમ્બર, ૨૦૧૮માં થઈ હતી અને ખૂબ જલ્દી મિત્રો બની ગયા હતા. તેમણે નવેમ્બર, ૨૦૧૮માં રાહુલના મ્યૂઝિક સિંગલ માટે શૂટિંગ કર્યું હતું. જો કે, રાહુલ વૈદ્યના બિગ બોસના ઘરમાં ગયા બાદ તેને દિશા પ્રત્યેના પ્રેમનો અહેસાસ થયો હતો. સિંગરે નેશનલ ટેલિવિઝન પર દિશાને પ્રપોઝ કર્યું હતું અને તેણે સ્વીકાર પણ કર્યો હતો. ત્યારબાદથી બંનેનું બોન્ડિંગ ખૂબ જ જબરદસ્ત થઈ ગયું. બિગ બોસ ૧૪ ખતમ થયા બાદ કપલે બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આગામી ત્રણ-ચાર મહિનામાં લગ્ન કરવાનો તેમનો પ્લાન છે. રાહુલે જણાવ્યું હતું કે, મહામારીના કારણે તેમણે લગ્નના પ્લાનિંગમાં થોડો ફેરફાર કરવો પડશે. તેઓ આખરે ૧૬ જુલાઈએ લગ્ન કરવાના છે.વર્ક ફ્રંટની વાત કરીએ તો, રાહુલ વૈદ્ય હવે ’ફિયર ફેક્ટરઃ ખતરો કે ખિલાડી ૧૧’માં જોવા મળવાનો છે. જ્યારે બીજી તરફ દિશા પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારામાં પંખુડીનું પાત્ર ભજવીને જાણીતી થઈ હતી. તે છેલ્લે વો અપના સા જોવા મળી હતી. રાહુલ વૈદ્ય અને દિશા પરમારે લગ્નની તારીખની જાહેરાત તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ કરી છે.