૧૫ જુલાઈથી ધો.૧૨, પોલિટેકનિક-કોલેજો ખુલશે

229

રાજ્ય સરકારની હાઈપાવર કમિટિમાં નિર્ણય લેવાયો : ૫૦ ટકા ક્ષમતા સાથે વાલીઓની મંજૂરી મેળવી શૈક્ષણિક સંસ્થા શરૂ કરી શકાશે, વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત
(સં. સ. સે.) ગાંધીનગર, તા.૯
શાળા અને કોલેજો ખોલવા અંગે સરકાર દ્વારા ખુબ જ મહત્વપુર્ણ નિર્ણય લેવાયો છે. હાઇપાવર કમિટીની બેઠકમાં શાળાઓ અને કોલેજો ખોલવા અંગે ખુબ જ મહત્વનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. રાજ્યમાં તા. ૧૫મી જુલાઇ ૨૦૨૧ ગુરુવારથી ધો. ૧૨ના વર્ગો, પોલિટેકનીક સંસ્થાનો અને કોલેજ ૫૦% કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે.સંસ્થાઓમાં વિદ્યાર્થિઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે. જો વાલી અને વિદ્યાર્થી ઇચ્છે તો તેઓ શાળાએ જઇ શકશે. જો કે આ નિર્ણય માત્ર ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ પર જ લાગુ પડશે. શાળામાં અન્ય કોઇ પણ ક્લાસ ચલાવી શકાશે નહી. માત્ર ધોરણ ૧૨, કોલેજ, પોલિટેકનીક સંસ્થાઓને જ આ નિર્ણય લાગુ રહેશે. ધોરણ ૧થી ૧૧ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવી શકાશે નહી. તેમનું ઓનલાઇન શિક્ષણ જ યથાવત્ત રાખવાનું રહેશે. આ અંગેનો નિર્ણય સરકાર ભવિષ્યે સ્થિતિ જોઇને કરશે. કોર કમિટીની આ બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, શિક્ષણ અગ્ર સચિવ એસ. જે. હૈદર, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર અને શિક્ષણ સચિવ વિનોદ રાવ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે, ધોરણ ૧૨ અને કોલેજ તથા પોલિટેક્નીકના વિદ્યાર્થીઓને તેમને ઓપ્શન અપાયો છે. તેઓ ઇચ્છે તો શાળા -કોલેજમાં જઇ શકશે. તે માટે વિદ્યાર્થીના વાલીનુ સંમતી પત્રક પણ હોવું જરૂરી છે. આ ઉપરાંત જે વિદ્યાર્થી જવા ન ઇચ્છે તો તેમનું ઓનલાઇન શિક્ષણ ચાલુ જ રાખવાનું રહેશે. નોંધનીય છે કે કોરોના વાયરસના કારણે છેલ્લા ઘણા સમયથી સ્કૂલો અને કોલેજો તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ છે. કોવિડ-૧૯ની બીજી લહેરમાં રાજ્યમાં જે હાહાકાર સર્જાયો હતો અને કેસોની સંખ્યા રોકેટ ગતિએ વધી હતી તેને ધ્યાનમાં રાખતા જ ધોરણ-૧૦ના અને ૧૨ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.