ટેનિસ સ્ટાર રોજર ફેડરરે ઓલિમ્પિક રમતોમાંથી પોતાનુ નામ પરત ખેંચ્યુ

259

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૪
વિશ્વના ટેનિસ સ્ટાર રોજર ફેડરર ટોક્યો ઓલિમ્પિક રમતોમાંથી હટી ગયા છે. ફેડરર વિશ્વ નંબર વન રેન્કિંગ રહી ચુક્યો છે. રોજર ફેડરરે ઘુંટણની ઇજાને લઇને ટોક્યો ઓલિમ્પિકમાં થી નામ પરત ખેંચ્યુ હોવાનુ કારણ બતાવ્યુ છે. આ પહેલા પણ રોજર ફેડરર વર્ષ ૨૦૧૬ ના ઓલિમ્પિકમાંથી પોતાનુ નામ પરત લઇ ચુક્યો છે. ફેડરર પહેલા રાફેલ નડાલ પણ પોતાનુ નામ પરત ખેંચી ચુક્યો છે. સ્વિત્ઝરલેન્ડનો રોજર ફેડરર ૨૦ વખત ગ્રાન્ડ સ્લેમ વિજેતા રહી ચુક્યો છે. આ પહેલા તે રિયો ઓલિમ્પિકમાં થી પોતાનુ નામ હટાવી ચુક્યો છે. ફરી એકવાર ઇજાના કારણે કે હવે ટોક્યો ઓલિમ્પિકમાંથી પોતાનુ નામ પરત ખેંચી ચુક્યો છે. સોશિયલ મીડિયા મારફતે એક નિવેદન જાહેર કરીને પોતાનુ નામ પરત ખેંચ્યાની, જાણકારી તેણે આપી હતી. ગ્રાસ કોર્ટ સિઝન દરમ્યાન દુર્ભાગ્યપૂર્ણ મને મારા ઘુંટણ પર એક ઝટકો લાગ્યો છે. મે સ્વિકાર કરી લીધો છે કે, મારે ટોક્યો ઓલિમ્પિક રમતો થી હટી જવુ જોઇએ. હું ખૂબ નિરાશ છુ. કારણ કે જ્યારે પણ મેં સ્વિત્ઝરલેન્ડનુ પ્રતિનિધિત્વ કર્યુ છે. તે મારા કરિયરનુ સન્માન અને મુખ્ય આકર્ષણ રહ્યુ છે. મેં આ ગરમીઓના અંતિમ તબક્કામાં પરત ફરવાની આશા સાથે પુનર્વાસ શરુ કરી દીધો છે. હું પુરી સ્વિસ ટીમને શુભેચ્છાઓ પાઠવુ છુ. ગત રવિવારે વિમ્બિલ્ડ ટૂર્નામેન્ટ સમાપ્ત થઇ હતી. આ દમર્યાન રોજર ફેડરર ક્વાર્ટર ફાઇનલ મેચમાં જ હારી ચુક્યો હતો. આમ વિમ્બલ્ડન ૨૦૨૧ માં તેને નિરાશા સાંપડી હતી. ૨૦૧૨માં ફેડરરે લંડન ઓલિમ્પિકમાં ફાઇનલમાં સ્થાન મેળવ્યુ હતુ. જ્યાં તે બ્રિટનના એન્ડી મરે સામે હાર્યો હતો. જેમાં તે સિલ્વર મેડલ મેળવવા સફળ રહ્યો હતો. ૨૦૦૮ ના ઓલિમ્પિક રમતોમાં સ્ટેન વાવરિંકા સાથેની જોડી દ્વારા ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફેડરર પહેલા પણ ટેનિસના અન્ય દિગ્ગજ ખેલાડીઓ પણ પોતાનુ નામ પરત ખેંચી ચુક્યા છે. જેમાં સ્પેનના રાફેલ નડાલ નો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓસ્ટ્રીયાનો ડોમિનિક થિઅમ પણ ઓલિમ્પિક રમતોમાં ભાગ લેનારો નથી. આ સ્ટાર ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિકમાંથી પોતાનુ નામ પરત ખેંચી લીધા હતા. હવે ફેડરર આ યાદીમાં જોડાયો છે.