રૂપાણી સરકાર ટોક્યો ઓલમ્પિકમાં ભાગ લેનાર છ મહિલા ખેલાડીઓને ૧૦-૧૦ લાખ આપશે

897

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૧૪
ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદના ૬૦ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યના ૬ ખેલાડીઓ આગામી ઓલિમ્પીક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાના છે. તા.ર૩મી જુલાઇથી ટોકયો ઓલિમ્પીક ગેઇમ્સ ર૦ર૧માં ગુજરાતની એકસાથે ૬ નારીશક્તિ-મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે સીએમ રૂપાણીએ રાજ્યની નારીશક્તિની સ્પોટ્‌ર્સ ક્ષેત્રે આ વૈશ્વિક સિધ્ધિને પ્રોત્સાહિત કરતા ઓલમ્પિક રમતોમાં ભાગ લેવા પસંદ થયેલી ગુજરાતની છ દિકરીઓને પ્રત્યેકને રૂ. ૧૦ લાખની નાણાકીય સહાય આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતની આ છ દિકરીઓ જેમને પ્રત્યેકને આ ૧૦ લાખ રૂપિયાની સહાય મળશે તે માના પટેલ સ્વિમિંગમાં, એલાવેનિલ વાલારિવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનીસમાં, સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસમાં અને પારુલ પરમાર પેરા બેડમિન્ટન રમતમાં ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલમ્પિક ખાતે વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે. સીએમ રૂપાણીએ એ આ છ પ્રતિભાવંત મહિલા ખેલાડીઓને દરેકને રૂ. ૧૦ લાખની નાણાકીય આપવા સાથે આગામી ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલમ્પિકમાં આ દિકરીઓ ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે, ટોક્યો ઓલમ્પિક -૨૦૨૧ રમતો આ વર્ષે તા.ર૩મી જુલાઇ ૨૦૨૧થી તા. ૮ ઓગસ્ટ સુધી અને પેરા ઓલમ્પિક રમતો તા. ૨૪ ઓગસ્ટથી તા. ૫ સપ્ટેમ્બર સુધી જાપાનના ટોક્યો ખાતે યોજાવાની છે.

Previous articleટેનિસ સ્ટાર રોજર ફેડરરે ઓલિમ્પિક રમતોમાંથી પોતાનુ નામ પરત ખેંચ્યુ
Next articleધોરણ ૧૨ની શાળાઓ આજથી શરૂ થતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ, ૫૦ ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ થયા