ઇડીએ પીએમએલએ હેઠળ અનિલ દેશમુખની ૪.૨૦ કરોડની સંપત્તિ જપ્ત કરતા ખળભળાટ

545

(જી.એન.એસ.)અમદાવાદ,તા.૧૬
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ પીએમએલએ હેઠળ અનિલ દેશમુખ, તેની પત્ની આરતી દેશમુખ અને કંપની પ્રીમિયર પોર્ટ લિંક્સ પ્રા.લિ. લિમિટેડની અસ્થાયી રૂપે ૪.૨૦ કરોડની સંપત્તિ અટેચ કરી છે. અટેચ સંપત્તિમાં મુંબઇના વરલીમાં રહેણાંક ફ્લેટ સામેલ છે, જેની કિંમત ૧.૫૪ કરોડ રૂપિયા છે. આ સિવાય મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં પણ ૨.૬૭ કરોડ રૂપિયાની જમીન છે.
ઇડીએ આઇપીસીની કલમ ૧૨૦-બી, ૧૮૬૦ અને પીએમ અધિનિયમ ૧૯૮૮ની કલમ ૭ હેઠળ સીબીઆઈ, નવી દિલ્હી દ્વારા અનિલ દેશમુખ અને અન્ય વિરુદ્ધ અનુચિત અને ખોટી રીતે લાભ પ્રાપ્ત કરવાના મામલે નોંધાયેલા એફઆઈઆરને આધારે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી છે. મુંબઈના વિવિધ બાર, રેસ્ટોરન્ટ્‌સ અને અન્ય મથકોથી દર મહિને ૧૦૦ કરોડની વસૂલાતના મામલે દેશમુખની મુશ્કેલીઓ વધી ચૂકી છે. પીએમએલએ હેઠળની તપાસમાં બહાર આવ્યું છે કે, અનિલ દેશમુખે, મહારાષ્ટ્ર રાજ્યના ગૃહ પ્રધાન તરીકે ફરજ બજાવતા, મુંબઈ પોલીસના તત્કાલીન મદદનીશ પોલીસ નિરીક્ષક સચિન વાજે દ્વારા વિવિધ ઓર્કેસ્ટ્રા બાર માલિકો પાસેથી ખોટી રીતે લગભગ ૪.૭૦ કરોડની લાંચ લીધી હતી. આ ઉપરાંત, દિલ્હી સ્થિત ડમી કંપનીઓની મદદથી મની લોન્ડરિંગ દ્વારા દેશમુખ પરિવારે ટ્રસ્ટમાં રૂ. ૪.૧૮ કરોડ મેળવ્યા હતા. આ રકમ શ્રી સાઈ શૈક્ષણિક સંસ્થા તરીકે બતાવીને તેને ’બેદાગ’ સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તપાસમાં આગળ જાણવા મળ્યું છે કે મુંબઇના વરલીમાં સ્થિત આ ફ્લેટ અનિલ દેશમુખની પત્ની આરતી દેશમુખના નામે નોંધાયેલ છે. આ ફ્લેટની સંપૂર્ણ ચુકવણી ૨૦૦૪ માં કરવામાં આવી હતી, જોકે તેની રજિસ્ટ્રી ફેબ્રુઆરી ૨૦૨૦માં થઈ હતી. આ દરમિયાન, અનિલ દેશમુખ મહારાષ્ટ્ર રાજ્યના ગૃહ પ્રધાન હતા.

Previous articleજર્મનીમાં ભારે વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધી ૫૯ લોકોના મોત
Next articleવીએસ હોસ્પિટલે સગાની મંજૂરી વગર ઓપરેશન કરી નાખ્યું,૧ લાખ આપવા પડશે