સિહોરની ‘સર્વોત્તમ ડેરી’ દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટર અર્પણનો કાર્યક્રમ યોજાયો

973

સિહોર, ઉમરાળા અને વલ્લભીપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રને ૨૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર અર્પણ કરાયાં : કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલાંની સુસજ્જતા જ તેને અટકાવવાનો કારગર ઉપાય છે : કલેક્ટર નીરગુડે
ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ’સર્વોત્તમ ડેરી’ દ્વારા હાલની કોરોનાની મહામારીની સંભવિત ત્રીજી લહેરની નિષ્ણાંતો દ્વારા જ્યારે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે તેની સામે ઉપયોગી બની શકે તેવાં ૨૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર અર્પણ કરવાનો કાર્યક્રમ સિહોર ખાતેની સર્વોત્તમ ડેરી ખાતે યોજાયો હતો. આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનો પૈકી સિહોર આરોગ્ય કેન્દ્રમાં ૧૦, ઉમરાળામાં ૫ અને વલ્લભીપુર આરોગ્ય કેન્દ્રમાં ૫ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનો ઉપયોગ માટે ફાળવવામાં આવ્યાં હતાં. જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડેએ આ અવસરે જણાવ્યું કે, કોરોનાના બે તબક્કાઓ આપણાં દેશ માટે મુશ્કેલ રહ્યાં છે. તેમાંથી આપણે ઘણું શીખ્યાં છીએ કે, કોરોનાના આવાં પેન્ડેમીકના સમયમાં આપણે ગાફેલ રહીએ તો માનવ ખુવારીના રૂપમાં આપણે તેની મોટી કિંમત ચૂકવવી પડે છે. ત્યારે પાણી પહેલાં જેમ પાળ બાંધવામાં આવે છે તેવી જ રીતે કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવે તે પૂર્વે જ તેના અટકાવવાં માટેની તૈયારીઓ દ્વારા જ કોરોનાને ‘રૂક જાઓ’ તેમ કહી શકાશે. ૨૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર અર્પણ કરવાનો આ કાર્યક્રમ પ્રસંશનીય છે તેમ જણાવી કલેક્ટરશ્રીએ સર્વોત્તમ ડેરીએ સમાજ ઉપયોગી આ કાર્ય માટે જે લીડરશીપ લીધી છે તે પ્રેરણાદાયી છે. કલેક્ટરએ કોરોનાની લહેર સામે સાવચેતી રૂપે તમામ લોકો વેકસીનેશન કરાવી લે તેના પર ભાર મૂકી સર્વોત્તમ ડેરીએ જે કાર્ય કરેલ છે તે માર્ગે બીજી પણ સંસ્થાઓ મદદરૂપ થાય તેવી આશા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં સર્વોત્તમ ડેરીના ચેરમેનશ્રી મહેન્દ્રભાઈ પનોતે તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી સર્વોત્તમ ડેરીએ કોરોના કાળમાં સર્વોત્તમ ડેરીએ સમાજોપયોગી અને રાષ્ટ્ર ઉપયોગી કાર્યની માહિતી આપતી આપી હતી. સર્વોત્તમ ડેરીના મેનેજિંગ ડિરેકટર એચ.આર.જોષીએ આવેલ મહેમાનો તથા ભાઈઓ – બહેનોનો કાર્યક્રમમાં પધારવા બદલ સંસ્થા વતી આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન એડવોકેટ શરદભાઈ ભટ્ટે કર્યું હતું. આ કાર્યક્રમમાં ભા.જ.પા.ના જિલ્લા અધ્યક્ષ મુકેશભાઈ લંગાળીયા, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ શિહોરા, જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી ડો. એ.કે. તાવિયાડ, જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેન વિક્રમભાઈ ડાભી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તૃપ્તિબેન જસાણી, સિહોર નગરપાલિકા પ્રમુખશ્રી વિક્રમભાઈ નકુમ, ઈન્ચાર્જ ટી.ડી.ઓ ચાંપરાજભાઈ ઉલ્વા, ચીફ ઓફીસર, નગરપાલિકા સિહોર, મામલતદાર સાહેબ, સિહોર, તેમજ ભા.જ.પા. જિલ્લા, તાલુકા અને પ્રદેશના આગેવાનો તેમજ આરોગ્ય વિભાગના સિહોર, ઉમરાળા અને વક્ષ્મીપુરના કર્મચારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleઆઈપીએલ ફેઝ-૨ પહેલા ધોની સ્લિમ એન્ડ ફિટ લુકમાં જોવા મળ્યો
Next articleબોટાદના કાનિયાડ ખાતે રૂપિયા ૨.૯૦ કરોડના ખર્ચે નવનિર્મિત થનારી સરકારી હાઈસ્કુલનું ઉર્જામંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું