મહુવાના કરમદીયા ગામે સિંહોના ટોળાઓ એક ખુંટીયાનું મારણ કર્યું, વાછરડાને ગંભીર ઈજા પહોંચાડી

303

મહુવા તાલુકાના કરમદીયા ગામે ગત મોડી રાત્રે ગામનાં પાદરમાં આવી ચડેલા સિંહ-સિંહણોના ટોળાંએ રેઢીયાર પશુઓ પર હુમલો કરી એક ખુટિયાનું મારણ કર્યું હતું અને એક વાછરડાને ગંભીર ઈજા પહોંચાડી હતી. ડાલામથ્થાઓ મારણ આરોગે એ પૂર્વે ગ્રામજનો એકઠાં થઈ જતાં સિંહ પરિવાર મારણ અધુરું છોડી જંગલમાં જતાં રહ્યાં હતાં.ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં બ્રૃહદગિરને અડીને આવેલા અને હિંસક પશુઓના આંટાફેરા માટે તથા અવારનવાર સિંહ-દિપડા જેવાં પ્રાણીઓ સાથે સિધ્ધા ઘર્ષણ માટે પ્રખ્યાત બનેલાં કરમદીયા ગામે આજથી ત્રણ-ચાર દિવસ પૂર્વે ગામથી તદ્દન નજીકના અંતરે સીમમાં વાડી ધરાવતા કરમદીયા ગામનાં ખેડૂત ચોથાભાઈ વાલાભાઈ ચાવડાની વાડીએ રાત્રે દોઢ વાગ્યાના સુમારે બે સિંહ આવી ચડ્યાં હતાં અને ફરઝામા રેઢિયાળ ખુટીયા હુમલો કર્યો હતો.આ હુમલાને પગલે જાગી ગયેલાં ચોથાભાઈએ તથા અન્ય લોકોએ સિંહોનો લાકડાના ધોકા વડે હિંમત ભેર સામનો કર્યો હતો. આથી ખુટીયાને ગંભીર ઈજા પહોંચાડી સાવજો જતાં રહ્યાં હતાં બીજી તરફ ગંભીર ઈજામાં ઘવાયેલા ખુટીયાનું મોત નિપજ્યું હતું.આરએફઓ રમેશભાઈ ચૌહાણએ જણાવ્યું હતું કે, આ ઘટના તાજી જ છે ત્યાં તા, ૨૧ જુલાઈ મંગળવારની મધરાતે ૨ વાગ્યે ત્રણ પાઠડા એક સિંહ તથા બે સિંહણોનું ટોળું ગામની બજારોમાં ફરતાં ફરતાં ગામને પાદર આવેલા ગામ કુવાના નેરા પાસે બેઠેલાં રેઢીયાર પશુઓ પર આ સિંહ-સિંહણોના ટોળાએ હુમલો કર્યો હતો. જેમાં એક ખુટીયાનું મોત થયું હતું. જ્યારે એક વાછરડીને ઈજા પહોંચી હતી. આ બનાવને લઈ વન વિભાગની ટિમ મોડી રાત્રે ૨ વાગ્યા ઘટના સ્થળે દોડી ગઈ હતી. જેમાં ફોરેસ્ટ અધિકારી ખાભલા, જયશ્રીબેન તથા બે ટ્રેકર સહિત ટીમે પહોંચી કાર્યવાહી કરી હતી.