પેગાસસ જાસૂસી કાંડઃ રાહુલ ગાંધીએ અમિત શાહનું રાજીનામું માંગ્યું

514

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૩
ઈઝરાયેલી સ્પાયવેયર પેગાસસ દ્વારા જાસૂસીનો વિવાદ અટકવાનું નામ જ નથી લેતો. આ મુદ્દે શુક્રવારે કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કરીને ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામું માગ્યું છે. રાહુલે કહ્યું હતું કે મારો ફોન ટેપ કરવામાં આવ્યો છે. આ મારી પ્રાઈવસીનો મુદ્દો નથી. હું જનતાનો અવાજ ઉઠાવું છું. નરેન્દ્ર મોદીએ આ હથિયારનો આપણા દેશ વિરુદ્ધ ઉપયોગ કર્યો છે. ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ. વડાપ્રધાન અને ગૃહમંત્રાલય સિવાય કોઈ એ એપ્લાઇ કરી શકે નહીં. કોંગ્રેસનેતાએ કહ્યું હતું કે પેગાસસને ઈઝરાયેલી સરકારે હથિયાર તરીકે ક્લાસિફાઈ કર્યું છે. આપણા વડાપ્રધાન અને ગૃહમંત્રીએ લોકતંત્ર વિરુદ્ધ એનો ઉપયોગ કર્યો છે. આ જનતાના અવાજ પર આક્રમણ છે. તેમણે કહ્યું હતું કે સવાલ એ નથી કે અનિલ અંબાણીનો ફોન ટેપ થયો. સવાલ એ છે કે જ્યારે સીબીઆઈ ફરિયાદ નોંધવાની હતી તેના એક કલાક પહેલાં સીબીઆઈ નિર્દેશકનો ફોન ટેપ કરીને તેમને બ્લેકમેઇલ કરવામાં આવ્યા. રાહુલે કહ્યું- ઈન્ટેલિજન્સના ઘણા અધિકારી મને કહી ચૂક્યા છે કે સર તમારો ફોન ટેપ થઈ રહ્યો છે. મારા મિત્રોને કહેવામાં આવે છે કે રાહુલ ગાંધીને કહી દેજો કે તેમણે ફોન પર આ વાત કરી હતી, પરંતુ હું ડરતો નથી અને મને કોઈ ફેર નથી પડતો. રાહુલે કહ્યું હતું કે પેગાસસ જાસૂસીનું સોફ્ટવેર છે. ભારતમાં પેગાસસ હથિયારમાં કેટેગરાઈઝ કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટ અને રાફેલની તપાસ રોકવા માટે પેગાસસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગૃહમંત્રી અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ કાયદાકીય તપાસ થવી જોઈએ.

Previous articleજમ્મુ કાશ્મીરના બારામૂલામાં એનકાઉન્ટર, લશ્કરના બે આતંકી ઠાર
Next articleપેગાસસ સ્પાયવેરની યાદીમાં નવો ખુલાસો અનિલ અંબાણી અને પૂર્વ સીબીઆઇ પ્રમુખ આલોક વર્માના પણ નામ