ભારતની મીરાબાઈ ચાનુએ વેઈટ લિફ્ટીંગમાં સિલ્વર મેડલ જીત્યો

138

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની મેડલ્સ ઝૂંબેશ શરૂ : ૨૬ વર્ષીય મીરાબાઈએ ૪૯ કિલોગ્રામની કેટેગરીમાં ૨૦૨ કિલો વજન ઉઠાવીને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે : બ્રોન્ઝ મેડલ ઈન્ડોનેશિયાને ફાળે ગયો છે
(સં. સ. સે.) ટોક્યો, તા.૨૪
હાલમાં ચાલી રહેલા ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતની મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. વેઈટ લિફ્ટિંગમાં ૪૯ કિલોગ્રામની કેટેગરીમાં મીરાબાઈએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
૨૬ વર્ષીય મીરાબાઈએ ૨૦૨ કિલો વજન ઉઠાવ્યું હતું. ૨૦૧૬ના ઓલિમ્પિકમાં મેડલ જીતવામાં નિષ્ફળ રહેલી મીરાબાઈએ આ વખતે સિલ્વર જીતીને દેશનું નામ રોશન કર્યું છે. આ ઈવેન્ટમાં ૨૧૦ કિલો વેઈટ લિફ્ટ કરનારી ચીનની હોઉ ઝીહયુએ ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે બ્રોન્ઝ મેડલ ઈન્ડોનેશિયાને ફાળે ગયો છે. વીકનેસને ધ્યાનમાં રાખતા મીરાબાઈએ પહેલા રાઉન્ડમાં ૮૪ કિલો વજન ઉઠાવ્યું હતું. બીજા રાઉન્ડમાં મણીપુરની આ યુવતીએ ૮૭ કિલો વજન લિફ્ટ કર્યું હતું, અને તેને વધારીને તે ૮૯ કિલો પર લઈ ગઈ હતી, જે તેના પર્સનલ બેસ્ટ ૮૮ કિલોથી ૧ કિલો વધુ હતું. જોકે, સ્નેચ ઈવેન્ટમાં તે ૮૭ કિલો વજન લિફ્ટ કરી શકી હતી, જ્યારે ચીનની ઝીન્હુએ ૯૪ કિલો વેઈટ લિફ્ટ કરી નવો રેકોર્ડ બનાવ્યો હતો. ચાઈનીઝ વેઈટ લિફ્ટર આ કેટેગરીમાં ૯૬ કિલો વેઈટ લિફ્ટ કરવાનો પણ રેકોર્ડ ધરાવે છે. ક્લીન જર્કમાં ચાનૂએ પહેલા બે પ્રયાસમાં ૧૧૦ અને ૧૧૫ કિલો વેઈટ લિફ્ટ કર્યું હતું. જોકે, તેને વધારીને તે ૧૧૭ કિલો સુધી નહોતી લઈ જઈ શકી, જોકે ફાઈનલ અટેમ્પ્ટમાં તેણે સિલ્વર મેડલ મળી શકે તેટલું પર્ફોમન્સ તો આપી જ દીધું હતું. પોતે સિલ્વર મેડલ જીત્યો છે તેની જાણ થતાં જ મીરાબાઈ પોતાના આંસુ નહોતી રોકી શકી. મેડલ મળ્યાની ખુશીમાં તેણે ડાન્સ પણ કર્યો હતો. બીજી તરફ, દેશમાં પણ મીરાબાઈ ચાનૂ પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. પીએમ મોદીએ મીરાબાઈ ચાનૂને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે ઓલિમ્પિકમાં દેશની આનાથી સારી બીજી કોઈ શરુઆત ના હોઈ શકે. દેશ માટે ઓલિમ્પિકમાં મેડલ જીતનારા શૂટર અભિનવ બિન્દ્રા, ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ સહિતના અનેક લોકોએ પણ ચાનૂને શુભેચ્છા આપી હતી.