જંતર-મંતર પર ખેડૂતોએ તોમરનું ડમી બનાવી રાજીનામું લઈ લીધું

136

કોંગ્રેસી સાંસદો તાજપોશીમાં જતા રહ્યા, ખેડૂતોનો મુદ્દો સંસદમાં ન ઉઠાવતા કોંગ્રેસ વિરૂદ્ધ નિંદા પ્રસ્તાવ રખાયો
(સં. સ. સે.) નવી દિલ્હી, તા.૨૪
જંતર મંતર ખાતે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. છેલ્લા ૨ દિવસથી ખેડૂતો સતત સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. જોકે શુક્રવારે આ આંદોલનનો એક ફિલ્મી અંદાજ જોવા મળ્યો હતો. તેમાં ખેડૂતોએ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરનું એક ડમી બનાવ્યું હતું અને બાદમાં ડમી પાસેથી રાજીનામુ લેવામાં આવ્યું હતું. જંતર મંતર ખાતે ખેડૂતોની નારેબાજી તો અનેક વખત જોવામાં આવી હશે પરંતુ પરંતુ શુક્રવારની તસવીર કંઈક જુદી જ હતી. ખેડૂતોએ કેન્દ્રીય મંત્રીના ડમી દ્વારા પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા પ્રયત્ન કર્યો હતો. એક તરફ પ્રદર્શનકારીઓનો આ અંદાજો જોવા મળ્યો હતો જ્યારે બીજી બાજુ કોંગ્રેસ વિરૂદ્ધ ગુસ્સો પણ ફૂટી નીકળ્યો હતો. ખેડૂતો એ વાતને લઈ નારાજ હતા કે કોંગ્રેસી સાંસદો શુક્રવારે તાજપોશીમાં જતા રહ્યા હકીકતે તેમણે ખેડૂતોનો મુદ્દો સંસદમાં ઉઠાવવો જોઈતો હતો. આ કારણે કોંગ્રેસ વિરૂદ્ધ નિંદા પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. જાણવા મળ્યા મુજબ ૨૬ જુલાઈના રોજ જંતર મંતર ખાતે ખેડૂતો દ્વારા કશુંક મોટું કરવામાં આવશે. એવું કહેવામાં આવે છે કે, તમામ મહિલા ખેડૂતો જંતર મંતર ખાતે વિશેષ સંસદ સત્ર ચલાવશે અને સરકારને ઘેરવા પ્રયત્ન કરશે. આ પ્રદર્શન પણ એ દિવસે જ કરવામાં આવશે જ્યારે ખેડૂત આંદોલનને ૮ મહિના પૂરા થવા જઈ રહ્યા છે. આ કારણે ૨૬ જુલાઈના રોજ ખેડૂતો પોતાના આંદોલનને વધુ ધાર આપશે. છેલ્લા કેટલાક મહિનાથી ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. સરકાર તરફથી અનેક વખત પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે પરંતુ વાતચીત આગળ નથી વધી શકી. એક તરફ સરકાર ફરી વાતચીત માટે હાથ લંબાવી રહી છે પરંતુ ખેડૂતો હજુ પણ પોતાની જૂની માગણીઓને લઈ અડગ છે. તેમણે સ્પષ્ટપણે ત્રણેય કૃષિ કાયદા પાછા લેવા કહ્યું છે. તેઓ કૃષિ કાયદા પાછા ખેંચાયા બાદ જ વાત કરવા તૈયાર છે ત્યારે હાલ પૂરતી ખેડૂતો અને સરકાર વચ્ચે તકરાર વધી રહી છે.