તમિળ ફિલ્મ અભિનેત્રી યાશિકા આનંદ અકસ્માતમાં થઇ ઈજાગ્રસ્ત, મિત્ર ભવાનીનું મોત

567

(જી.એન.એસ)મુંબઈ,તા.૨૫
તમિળ ફિલ્મ અભિનેત્રી યાશિકા આનંદ માર્ગ અકસ્માતનો શિકાર બની છે. આ અકસ્માતમાં યાશિકાના મિત્ર ભવાનીનું મોત નીપજ્યું હતું, જ્યારે યાશિકા સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ભયાનક માર્ગ અકસ્માત તમિળનાડુના ચેન્નઇમાં બન્યો છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એક ઓવરસ્પીડ એસયુવી ઇસીઆર રોડ પર જઈ રહી હતી. કારે સેન્ટર મીડિયનમાં ટકરાઈ હતી અને તે પછી રસ્તાની બાજુના ખાડામાં પડી હતી. ઘટના બાદ ત્યાં હાજર લોકો દ્વારા કારમાં સવાર લોકોને બચાવવા આવ્યા હતા. કારમાંથી ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં યાશિકા પણ હતી. ત્રણેયને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે યાશિકાની મિત્ર ભવાની કારની અંદર ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. તેને બચાવવા માટે મદદની રાહ જોવાઇ રહી હતી પરંતુ દુર્ભાગ્યવશ તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પોલીસે તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ચેંગલપેટ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. પોલીસનું કહેવું છે કે મેડિકલ ટેસ્ટ રિપોર્ટ બાદ જ કેસ નોંધવામાં આવશે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.