રૂપાણી સરકારના પાંચ વર્ષ પુરા થતા યોજાનાર કાર્યક્રમ સંદર્ભે કલેકટર દ્વારા બેઠક

247

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની વર્તમાન સરકારને પાંચ વર્ષ પુરાં થવાના ઉપલક્ષ્યમાં રાજ્યભરમાં વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમો થનાર છે. તેને અનુલક્ષીને ભાવનગરમાં થનાર કાર્યક્રમોની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ સાથે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ બેઠક યોજી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૧-૮-૨૦૨૧ થી તા.૯-૮-૨૦૨૧ એમ ૯ દિવસ સુધી વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમો યોજાનાર છે. જેમાં રાજ્યની તમામ મહાપાલિકાઓ, નગર પાલિકાઓ, પંચાયતો પણ સહભાગી થનાર છે. રાજ્યમાં વિવિધ સ્થળોએ લોકાર્પણ તેમજ ખાતમુહુર્તનાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવનાર છે. જે અંતર્ગત તા.૧-૮-૨૦૨૧ નાં રોજ જ્ઞાન શક્તિ દિન, તા.૨-૮-૨૦૨૧ નાં રોજ સંવેદના દિન, તા.૪-૮-૨૦૨૧ નાં રોજ મહિલા સશક્તિકરણ દિન, તા.૫-૭-૨૦૨૧ નાં રોજ ધરતીપુત્ર સન્માન દિન, તા.૬-૮-૨૦૨૧ નાં રોજ યુવા શક્તિ દિન, તા.૭-૮-૨૦૨૧ નાં રોજ ગરીબ ઉત્કર્ષ દિન, તા.૮-૮-૨૦૨૧ નાં રોજ શહેરી જનસુખાકારી દિન અને તા.૯-૮-૨૦૨૧ નાં રોજ વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમો રાજ્યભરમાં યોજવામાં આવનાર છે. ભાવનગર જિલ્લામાં પણ આ અંતર્ગત અનેક કાર્યક્રમો યોજવામાં આવનાર છે.જેનાં ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેનાં અધ્યક્ષસ્થાને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા કલેકટર દ્વારા આ તમામ કાર્યક્રમો સમયબદ્ધ રીતે અને સુચારુ રીતે પાર પડે તે માટેની તૈયારીઓ અંગે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે બેઠકમાં જણાવ્યું કે, આ અંતર્ગત જિલ્લાના એક પણ લાભાર્થી રહી ન જાય તે માટે વિશેષ કાળજી લેવાની જરૂર છે અને છેવાડાના ગામ સુધી તેનો લાભ પહોંચે તેની તકેદારી રાખવા તેમણે ઉપસ્થિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, મદદનીશ કલેક્ટર પુષ્પલત્તા, એ.એસ.પી. સફિન હસન, જિલ્લાના પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ તેમજ વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleચીનના જિલિન પ્રાંતમાં વેરહાઉસમાં આગ લાગતા ૧૪ના મોત, ૨૬ ઘાયલ
Next articleધો.૯ થી ૧૧ના ઓફલાઈન વર્ગો શરૂ થતા શાળાઓ ફરી વિદ્યાર્થીના કલરવથી ગુંજી ઉઠી