રાજ્યના ૨૪૦ તાલુકામાં વરસાદ, લોધિકામાં સૌથી વધુ ૮ ઈંચ વરસાદ

251

રાજ્યભરમાં મેઘરાજાની મહેર, સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશાલી : રાજ્યના ૨૫ તાલુકામાં ૪ થી ૮ ઈંચ, ૬૦ તાલુકામાં ૨ થી ૪ ઈંચ, ૭૫ તાલુકામાં ૧ થી ૨ ઈંચ સુધી, ૨૦૦ તાલુકામાં અડધાથી ૮ ઈંચ વરસાદ થયો
(સં. સ.સે.) ગાંધીનગર, તા.૨૬
રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૨૪૦ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જેમાં ૨૦૦ તાલુકાઓમાં અડધાથી આઠ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ રાજકોટના લોધિકામાં ૮ ઈંચ વરસાદ
જયારે છોટાઉદેપુર, કવાંટ, બેચરાજી, કાલાવાડ અને તિલકવાડા સહિતના તાલુકાઓમાં ૬ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના ૨૫ તાલુકામાં ૪ થી ૮ ઈંચ, ૬૦ તાલુકામાં ૨ થી ૪ ઈંચ, ૭૫ તાલુકામાં ૧ થી ૨ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૨૬/૦૭/૨૦૨૧ને સવારે ૬.૦૦ કલાકે પુરા થતા છેલ્લાં ચોવીસ કલાક દરમિયાન રાજકોટના લોધિકા તાલુકામાં ૧૯૮ મી.મી., છોટા ઉદેપુર તાલુકામાં ૧૯૦ મી.મી., કવાંટ તાલુકામાં ૧૮૨ મી.મી., બેચરાજી તાલુકામાં ૧૬૦ મી.મી., કાલાવાડ અને તિલકવાડા તાલુકામાં ૧૪૭ મી.મી. એટલે કે ૬ ઈંચથી ૮ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. રાજ્યના બોટાદ, કપરાડા, માણાવદર. કુતિયાણા, શંખેશ્વર, ગઢડા, જોટાણ, વિજાપુર, વંથલી, જૂનાગઢ, જૂનાગઢ શહેર, બોડેલી, કરજણ, મહેસાણા, પ્રાતિજ, રાજકોટ, સૂત્રાપાડા, ડભોઈ અને ફતેપુરા સહિત ૧૯ તાલુકામાં ૪ થી ૬ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જયારે ૬૦ તાલુકાઓ એવા છે જ્યાં ૨ થી ૪ ઈંચ અને ૭૫ તાલુકામાં ૧ થી ૨ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ ૮૦ તાલુકાઓમાં ૧ ઈંચથી ઓછો એટલે કે ૨૪ મી.મી, થી ૧ મી.મી. સુધીનો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ ૩૨.૫૮ ટકા એટલે કે ૨૭૩.૬૫ મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૩૫.૧૯ ટકા જયારે કચ્છ ઝોનમાં ૩૦.૨૫ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૩૧.૮૯ ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં ૩૦.૦૮ ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં ૨૮.૧૬ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી વિગત મુજબ આજે તા. ૨૬/૦૭ને બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધીમાં રાજ્યના ૧૫૩ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણ તાલુકામાં ૭૮ મી.મી. એટલે કે ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ખેરગામ, ધરમપુર, વાંસદ, વાપી, વઘઈ, ડાંગ-આહવા, માળિયા, પારડી, ચીખલી, વિસાવદર, મોરબી, વલસાડ, કોડીનાર, ધાનપુર, સુબિર, ઉના, ગરબાડા, કપરાડા, માલપુર, ગણદેવી અને જાફરાબાદ મળી ૨૧ તાલુકાઓમાં ૧ થી ૩ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જયારે ૧૩૦ તાલુકાઓમાં ૧ ઈંચથી ઓછો એટલે કે ૨૪ મી.મી, થી ૧ મી.મી. સુધીનો વરસાદ નોંધાયો છે.