સ્વિસ બેન્કોમાં છેલ્લા ૧૦ વર્ષમાં કેટલું કાળું નાણું જમા થયું તેનો કોઇ અંદાજ નથી

294

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૬
લાંબા સમય પછી ફરી એકવાર સંસદમાં કાળા નાણાનો મુદ્દો ઉઠ્યો છે. કોંગ્રેસના સાંસદ વિંન્સેન્ટ એચ પાલાએ સંસદમાં સરકારને પૂછ્યું કે શું સરકાર જાહેર કરશે કે છેલ્લા ૧૦ વર્ષમાં સ્વિસ બેંકોમાંથી કેટલું કાળું નાણું એકઠું થયું છે. વિદેશથી કાળું નાણું પાછું લાવવા સરકારે શું પગલા લીધા છે? કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કેટલા લોકો પર ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. અને ભારતમાં કેટલું કાળું નાણું આવવાનું છે અને કોની પાસેથી અને ક્યાંથી આવશે. વિપક્ષના આ પ્રશ્નના જવાબ નાણાં રાજ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સ્વિસ બેંકોમાં છેલ્લા ૧૦ વર્ષમાં કેટલુ કાળું નાણું જમા થયુ છે તેનો સત્તાવાર અંદાજ નથી. જો કે સરકારે કાળુ નાણું પાછું લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. તેમણે કહ્યું કે સરકારે વિદેશોમાં જમા થયેલ કાળુ નાણુ પાછુ લાવવા તાજેતરનાં વર્ષોમાં અનેક પગલાં લીધાં છે. સરકાર ‘ ‘The Black Money (Undisclosed Foreign Income and Assets) and Imposition of Tax Act, 2015’લઈને આવી, જે ૧ જુલાઈ, ૨૦૧૭ થી અમલમાં આવ્યો. આ કાયદો વિદેશમાં જમા કરાયેલા નાણાંના કેસોને અસરકારક રીતે વ્યવહાર કરે છે. કાળા નાણાને લઈને વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)ની રચના કરવામાં આવી હતી. અધ્યક્ષ અને વાઇસ ચેરમેન સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ હોય છે. અન્ય સરકારો સાથે મળીને કામ કરી રહ્યા છે, ડબલ ટેક્સેશન એવેઇડન્સ એગ્રીમેન્ટ્‌સ (ડીટીએએ) / ટેક્સ ઇન્ફર્મેશન એક્સચેંજ કરાર હેઠળ માહિતી શેર કરી રહ્યા છે. આ સિવાય અમેરિકા સાથે સમજૂતી પણ કરવામાં આવી છે. યુ.એસની સાથે ફોરેન એકાઉન્ટ ટેક્સ કંપ્લાયંસ એક્ટ હેઠળ ઈન્ફોર્મેશન શેર એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે. સરકારે કહ્યું કે ૧૦૭ બ્લેક મની એક્ટ હેઠળ ૧૦૭ ફરિયાદો નોંધાઈ છે. બ્લેક મની એક્ટની કલમ ૧૦(૩)/ ૧૦(૪) હેઠળ, ૩૧ મે ૨૦૨૧ સુધી ૧૬૬ કેસોમાં અસેસમેન્ટ ઓર્ડર જારી કરવામાં આવ્યા છે, જેમાં રૂ. ૮૨૧૬ કરોડ વસૂલવામાં આવ્યા છે. આ સિવાય HSBC કેસમાં આશરે ૮,૪૬૫ કરોડ રૂપિયાની અઘોષિત આવક પર વેરો અને દંડ લાદવામાં આવ્યો છે. જે ૧૨૯૪ કરોડ રૂપિયા છે.ICIJ કેસમાં રૂપિયા ૧૧,૦૧૦ કરોડની અઘોષિત આવક મળી આવી છે. પનામા પેપર્સ લીક કેસમાં રૂ. ૨૦,૦૭૮ કરોડની અઘોષિત આવક મળી આવી છે અને પેરેડાઇઝ પેપર્સ લીક કેસમાં ૨૪૬ કરોડની અઘોષિત રકમ મળી આવી છે.