ઘોઘારોડ હત્યા કેસમાં સાતને આજીવન કેદ

383

ત્રણ વર્ષ પૂર્વે ઘોઘારોડ, ચકુ તલાવડી પાસે બનેલા બનાવનો ભાવનગર ડિસ્ટ્રીકટ જજ આર.ટી.વચ્છાણીનો ચુકાદો : સરકારી વકિલ વિપુલ દેવમુરારીની દલિલો, આધાર પુરાવા ગ્રાહ્ય રહ્યા : રૂા.૪.૨૦ લાખનો દંડ
શહેરના છેવાડે ઘોઘારોડ, ચકુ તલાવડી પાસે ત્રણેક વર્ષ પૂર્વે અલ્ટોકાર લઈ મિત્રો સાથે જમવા ગયેલ યુવાન અને તેના મિત્રો પર સાત શખ્સોએ તલવાર, પાઈપ, ધોકા સહિતના હથીયારો વડે હુમલો કરી ઈજા કરતા યુવાનને ગંભીર ઈજા સાથે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરાયેલ જ્યાં લાંબી સારવાર બાદ તેનું મોત થતા બનાવ હત્યામાં પરિણમેલ અને બનાવની તેના મિત્ર અજય ઉર્ફે પિટર જીણાભાઈ મકવાણા ઉવ.૨૪એ ફરિયાદ નોંધાવતા પોલીસે સાત શખ્સો વિરૂદ્ધ ગુન્હો નોંધી તમામની ધરપકડ કરી હતી. આ બનાવ અંગેનો કેસ અત્રેની ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા તમામ સામે ગુનો સાબીત માની સાતેય આરોપીઓને ડિસ્ટ્રીકટ જજ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવ અંગે પ્રપ્ત વિગતો મુજબ ગત તા.૧૭ મે ૨૦૧૮ના રોજ કરશનભાઈ ઉર્ફે ભાણો લક્ષ્મણભાઈ સાટીયાને, કિશોર ઉર્ફે કિશોર ધીરૂભાઈ સોલંકી તથા ભરત ઉર્ફે આપા આલુભાઈ રાછડ સાથે સામાન્ય બોલાચાલી અને ઝગડો થયેલ બાદ બિજા દિવસે કરશનભાઈ પોતાની અલટો કાર લઈ તેના મિત્ર અજય ઉર્ફે પીટર જીણાભાઈ મકવાણા સાથે ઘોઘારોડ અકવાડા તરફ જમવા જતા હતા ત્યારે મોડી રાત્રીના ચકુ તલાવડીથી આગળ પહોચતા કિશોર તથા ભરત સહિત સાત શખ્સોએ તેમની કારને આંતરી કારના કાચ ફોડી તલવાર પાઈપ ધોકા વડે ગંભીર ઈજા પહોચાડેલ જ્યારે બચાવવા જતા અજયને પણ તલવારનો ઘા ઝીકી દીધેલ અને ગંભીર ઈજા કરી નાસી છુટેલ જ્યારે કરશનભાઈ ઉર્ફે ભાણાને ગંભીર હાલતે અમદાવાદ સારાવાર માટે ખસેડાયેલ જ્યાં અઢ્ઢી માસની સારવાર બાદ તા.૧ ઓગષ્ટના રોજ તેનું મોત થતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ બનાવ અંગે અજય ઉર્ફે પીટરે કિશોર ઉર્ફે કિશન ધીરૂભાઈ સોલંકી ઉ.વ.૨૨, ભરત ઉર્ફે આપા આલુભાઈ રાછડ, સિધ્ધરાજ ઉર્ફે સુર્યા ધીરૂભાઈ માયડા, સોમાભાઈ ઉર્ફે ચંપુ સુરીંગભાઈ રાછડ, કેવલભાઈ ઉર્ફે માયા દિલીપભાઈ વાઘોસી, હાર્દિક ઉમેશભાઈ ઉર્ફે ઉમદાનભાઈ સોનરાજ તથા સતીષ ઉર્ફે બાલા લખુભાઈ પોસાતર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ વિરૂધ્ધ આઈપીસી કલમ ૩૦૨, ૩૨૬ સહિતની કલમો સાથે ગુન્હો નોંધી તમામ ધરપકડ કરી હતી. આ બનાવ અંગેનો કેસ આજરોજ ભાવનગરની ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકિલ વિપુલ દેવમુરારીની ધારદાર દલીલો અને સાક્ષી પુરાવાને ગ્રાહ્ય રાખી અદાલતે તમામને કસુરવાર ઠેરવ્યા હતા અને ડિસ્ટ્રિીકટ એન્ડ સેશન્સ જંજ આર.ટી. વચ્છાણીએ તમામને આજીવન કેદની સજા તથા રૂા.૪.૨૦ લાખનો દંડ ફટકાર્યો હતો અને દંડની રકમમાંથી ૫૦ ટકા ભોગ બનનારના પરિવારને આપવાનું જણાવેલ આમ ભાવનગરમાં હત્યા કેસમાં એક સાથે સાત આરોપીઓને આજીવન કેદની સજા થતા ચકચાર મચી જવા પામી છે.