પોર્નોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટીને ક્લિન ચીટ આપી નથીઃ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ

398

(જી.એન.એસ)મુંબઈ,તા.૨૮
પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાની ધરપકડ બાદ તેની પત્ની અને બોલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીની સમસ્યાઓ પણ વધી રહી છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ આ કેસના આરોપી રાજ કુન્દ્રાની પત્ની શિલ્પા શેટ્ટીની પણ સઘન પૂછપરછ કરી રહી છે. આ સંદર્ભે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચનું કહેવુ છે કે, શિલ્પા શેટ્ટીને હજુ સુધી ક્લિન ચીટ આપી નથી. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ કુન્દ્રાની પત્ની સહિત પરિવારના અન્ય સભ્યોની પણ પૂછપરછ કરી રહી છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓનું કહેવું છે કે, શિલ્પા શેટ્ટીને અત્યાર સુધી ક્લિન ચીટ આપી નથી. કેસને લઇને હાલમાં સંભવિત તમામ પાસાંઓની તપાસ ચાલી રહી છે. ફોરેન્સિક ઓડિટરની નિમણૂક કરાઇ છે જે આ કેસમાં તમામ ખાતાંઓની તપાસ કરી રહ્યા છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે, પોલીસને શંકા છે કે રાજ કુન્દ્રાના બનેવી પ્રદીપ બખ્શીને માત્ર એક ચહેરા તરીકે ઉપયોગ કરાયો હતો પરંતુ હોટશોટ્‌સના બધા કાગળિયાની સારસંભાળ રાજ કુન્દ્રાએ જાતે જ લીધી હતી. કુન્દ્રાની ધરપકડ પછી અન્ય પીડિતોએ પોલીસનો સંપર્ક કર્યો અને નિવેદન આપ્યા છે. આ કેસમાં સામેલ હોવાની શંકાએ ક્રાઇમ બ્રાન્ચે રાજ કુન્દ્રા સાથે જોડાયેલા અનેક લોકોની પૂછપરછ કરી છે અને ઘણાના બેન્ક એકાઉન્ટ જપ્ત કર્યા છે.