અક્ષય કુમારે શાળાના નિર્માણ માટે ૧ કરોડનું દાન કર્યું, બીએસએફએ શેર કરી તસ્વીરો

292

(જી.એન.એસ)મુંબઈ,તા.૨૮
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર તેમના અભિનય સાથે સારા કામો માટે પણ જાણીતા છે. અક્ષય ૧૭ જૂનના દિવસે કાશ્મીરમાં જોવા મળ્યા. એ વખતે અક્ષય કુમાર ભારતીય સૈન્યના સૈનિકોને મળ્યા હતા અને તેમની સાથે ભાંગડા પણ કર્યા હતા. આ દરમિયાન અક્ષયે કાશ્મીરના બાંદીપુરા જિલ્લાના નીરુ ગામમાં એક શાળાના નિર્માણ માટે એક કરોડ રૂપિયાનું દાનની જાહેરાત કરી હતી. તેમજ ગુરેઝ સેક્ટરમાં કંટ્રોલ લાઇન નજીક આવેલા નીરુ ગામની મુલાકાત પણ લીધી હતી. ગામની મુલાકાત બાદ અક્ષય કુમારે શાળા માટે એક કરોડ રૂપિયા દાન આપવાનું નક્કી કર્યું હતું. તેમજ અક્ષય કુમાર આ જ ગામમાં જ બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને ભારતીય સેનાના અન્ય જવાનોને મળ્યા. જ્યાં અક્ષય કુમારે ભારતીય સૈનિકો અને સ્થાનિક લોકો સાથે જોરદાર ડાન્સ કર્યો.
તાજેતરમાં બીએસએફએ ટિ્‌વટરથી માહિતી આપી છે, આ શાળાના નિર્માણ માટેનો શિલાન્યાસ થઇ ગયો છે. તેની તસ્વીર પણ બીએસએફએ શેર કરી છે. અક્ષયના પિતા સ્વ.હરિ ઓમ ભાટિયાના નામ પર આ શાળાનું નામ રાખવામાં આવ્યું છે. ફોટાની સાથે તેમણે લખ્યું, ‘ડીજી બીએસએફ શ્રી રાકેશ અસ્થાનાએ શ્રી અક્ષય કુમાર પદ્મ શ્રી સાથે શ્રીમતી અનુ અસ્થાના, પ્રમુખ બીડબ્લ્યુડબ્લ્યુએ અને શ્રી સુરેંદ્ર પંવારની હાજરીમાં કાશ્મીરની સરકારી માધ્યમ નીરુ સ્કૂલમાં હરિ ઓમ ભાટિયા એજ્યુકેશન બ્લોકનો શિલાન્યાસ કર્યો હતો ‘ ફેન્સે પણ અક્ષયના આ કામના વખાણ કર્યા છે. જાહેર છે કે અક્ષય સેવાના કામમાં અને ભારતીય આર્મી માટે હંમેશા આગળ રહે છે. તેઓ અવાર નવાર સરહદ પર ફરજ નિભાવતા જવાનોની મુલાકાત પણ લેતા રહે છે.