જમ્મુના ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કરવાના ષડયંત્ર સામે એલર્ટ

258

જૈશ અને તૈયબા દ્વારા સાંપ્રદાયિક તણાવ ફેલાવવા માટે મંદિરો પર હુમલો કરવાની યોજના અંગે ઈનપુટ્‌સ મળ્યા
(સં. સ. સે.) જમ્મુ, તા.૩૦
આગામી ૫ ઓગષ્ટના રોજ કલમ ૩૭૦ નાબૂદીની વરસી અને સ્વતંત્રતા દિવસ પર આતંકવાદી હુમલો થઈ શકે છે. તેને ધ્યાનમાં રાખીને જમ્મુમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુપ્તચર એજન્સી દ્વારા મળતા ઈનપુટ પ્રમાણે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા આઈઈડી લગાવીને જમ્મુ શહેરમાં હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમાં ધાર્મિક સ્થળોને ટાર્ગેટમાં લેવાનું ષડયંત્ર છે. પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા દ્વારા સાંપ્રદાયિક તણાવ ફેલાવવા માટે મંદિરો પર હુમલો કરવાની યોજના અંગે ઈનપુટ્‌સ મળ્યા બાદ જમ્મુમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જાણવા મળ્યા મુજબ ડ્રોન દ્વારા આઈઈડી ફેંકવાની તાજેતરની ઘટનાઓથી જાણવા મળ્યું છે કે, પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જમ્મુમાં ધાર્મિક સ્થળઓ પાસે ભીડવાળી જગ્યાએ વિસ્ફોટકો લગાવવા પ્રયત્ન કરી શકે છે. સ્વતંત્રતા દિવસ પર જમ્મુ કાશ્મીરમાં ડ્રોનના જોખમનો સામનો કરવો સુરક્ષા એજન્સીઓ માટે મોટો પડકાર છે. તેનો સામનો કરવા માટે પોલીસે એન્ટી ડ્રોન રણનીતિ બનાવી છે. એડીજીપી મુકેશ સિંહે તાજેતરમાં જણાવ્યું હતું કે, તેનો સામનો કરવા માટે આકરા બંદોબસ્ત કરવામાં આવ્યા છે. કયા પ્રકારની તૈયારી કરવામાં આવી છે તેના વિશે હાલ જાણકારી નહીં આપી શકાય પરંતુ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ સ્થળોએ એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે. પોલીસે અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે મળીને તૈયારી કરી છે.

Previous articleકર્મચારી-પેન્શનરોને ડીએનું બાકી એરીયર્સ ઓગસ્ટ માસમાં અપાશે
Next articleબારામુલ્લામાં આતંકીઓનો CRPF પર હુમલોઃ ૪ સુરક્ષા જવાન ઘાયલ