બિહારમાં કટિહારના મેયર શિવરાજ પાસવાનની ગોળી મારી હત્યા

218

(જી.એન.એસ.)પટના,તા.૩૦
બિહારના કટિહાર ખાતે મેયર શિવરાજ પાસવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. અજ્ઞાત આરોપીઓએ તેમના પર ૩ વખત ગોળી ચલાવી હતી જેથી તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. બાદમાં તેમને સારવાર માટે કેએમસીએચ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તેમણે દમ તોડી દીધો હતો. ગુરૂવારે આ ઘટના શિવરાજ પાસવાનની સંતોષ કોલોની ખાતે જ થઈ હતી. બાઈક પર સવાર ૪ હુમલાખોરોએ શિવરાજ પાસવાન પર તાબડતોબ ગોળીઓ વરસાવી હતી. તેમાંથી ૩ ગોળીઓ તેમને છાતીમાં વાગી હતી અને તેઓ ગંભીર સ્વરૂપે ઘાયલ થયા હતા. બાદમાં તેમણે હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. એસડીપીઓ અમરકાંત ઝાએ આ ઘટનાની પુષ્ટિ કરી દીધી છે. કટિહારના મેયર પર હુમલો શા માટે કરવામાં આવ્યો, કયા ઉદ્દેશ્યથી તેમની હત્યા કરવામાં આવી તે હજુ અસ્પષ્ટ છે. હાલ ગુનાનું કારણ સ્પષ્ટ નથી થઈ શક્યું અને ગુનેગારો પણ ફરાર છે. પોલીસના કહેવા પ્રમાણે શિવરાજ પાસવાન મંદિર જઈ રહ્યા હતા તે સમયે આ હુમલો થયો હતો. મેયરને ગોળી વાગી હોવાની જાણ થતાં જ લોકોના ટોળાં હોસ્પિટલ પહોંચી ગયા હતા. મેયરના પરિવારજનો અને અન્ય લોકોએ ગુનેગારોની ધરપકડ કરવાની માગણી કરી હતી. પોલીસ લોકોને સમજાવીને મૃતદેહ લઈ ગઈ હતી જેથી પોસ્ટમોર્ટમ કરી શકાય પરંતુ ઉશ્કેરાયેલા લોકો અને પરિવારજનોએ ગુનેગારોની ધરપકડ બાદ જ પોસ્ટમોર્ટમ કરવામાં આવે તેવી જિદ્દ કરી હતી. મેયરના મૃતદેહને તેમની ગાડીમાં જ થાણા પરિસરમાં રાખવામાં આવ્યું હતું અને પોલીસે લોકોને સમજાવવા પ્રયત્ન કર્યો હતો.