ધવને ટી૨૦ સિરીઝમાં શૂન્ય પર આઉટ થવાને લઈને શરમજનક રેકોર્ડ નોંધાવ્યો

920

(જી.એન.એસ)કોલંબો,તા.૩૦
ભારત અને શ્રીલંકા વચ્ચે ૩ ટી૨૦ મેચોની શ્રેણી રમાઈ હતી. ભારતે આ શ્રેણીને ૨-૧થી ગુમાવી દીધી છે. ભારતીય કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. જેની પાછળ મોટો સ્કોર ખડકીને તેનો બચાવ કરવાની યોજના હોવાનું ધવને ટોસ વેળાએ કહ્યું હતુ. જોકે બાદમાં તેનો આ નિર્ણય શ્રીલંકાના બોલરોએ ઉલ્ટો કરી દીધો હતો. ટોપ ઓર્ડરના ૪ બેટ્‌સમેન ૫ ઓવરમાં જ વિકેટ ગુમાવી બેઠા હતા. શિખર ધવને પોતાની વિકેટ ગુમાવ્યા બાદ એક બાદ એક ભારતીય બેટ્‌સમેનો પોતાની વિકેટ ગુમાવતા રહ્યા હતા. ભારતીય ટીમનો ટોપ ઓર્ડર નિષ્ફળ રહેતા જ ભારતીય ટીમ શ્રીલંકા સામે આસાન લક્ષ્ય કરી શકી હતી. જેને શ્રીલંકાએ સરળતાથી પાર પાડી લઈ શ્રેણી જીતી લીધી હતી. ભારતીય ટીમના કેપ્ટન શિખર ધવને ઈનીંગની પ્રથમ વિકેટ ગુમાવી હતી. ધવન તેના પ્રથમ બોલને જ રમવા જતા સ્લીપમાં કેચ આપી બેઠો હતો. ચામિરાના બોલ પર તે શૂન્ય રને આઉટ થયો હતો. શૂન્ય રને આઉટ થવાને લઈને શિખર ધવને અણગમતો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો. શિખર ધવન ટી૨૦ ફોર્મેટની ક્રિકેટમાં પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે કે જે ગોલ્ડન ડક આઉટ થયો છે. ધવન પહેલા કોઈ જ ભારતીય કેપ્ટન ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ગોલ્ડન ડક વિકેટ ગુમાવી શક્યો નથી. શિખર ધવને ભારતીય બેટીંગ ઈનીંગની પ્રથમ ઓવરમાં જ વિકેટ ગુમાવી હતી. આમ ભારતીય ટીમ પ્રથમ ઓવરથી જ દબાણમાં આવી ગઈ હતી. ધવને જે રીતે ટી૨૦ ક્રિકેટમાં પોતાના નામે કેપ્ટન તરીકે શરમજનક રેકોર્ડ નોંધાવ્યો છે. એવો જ રેકોર્ડ સુનિલ ગાવાસ્કર અને લાલા અમરનાથ જેવા દિગ્ગજો વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં પોતાના નામે નોંધાવી ચુક્યા છે. વનડે ક્રિકેટમાં સુનિલ ગાવાસ્કર ગોલ્ડ ડક વિકેટ ગુમાવી ચુક્યા છે. જ્યારે લાલા અમરનાથ ટેસ્ટ ક્રિકેટમાં ગોલ્ડ ડક વિકેટ ગુમાવી બેઠા હતા.
નિયમિત કેપ્ટન વિરાટ કોહલી હવે આ બાબતથી સુરક્ષિત થઈ ચુક્યો છે. કારણ કે તે હવે ગોલ્ડન ડક આઉટ થવા છતાં ટી૨૦ ક્રિકેટમાં ભારતીય કેપ્ટન તરીકે અમરનાથ અને ગાવાસ્કરની હરોળમાં નહીં આવે. શિખર ધવને ટી૨૦ ક્રિકેટમાં બાકી રહેલો આ રેકોર્ડ પોતાના નામે નોંધાવી લેતા હવે કોહલીને આ બાબતે રાહત રહેશે. જોકે કોહલી કેપ્ટન તરીકે સૌથી વધુ વખત શૂન્ય રન પર વિકેટ ગુમાવી ચુક્યો છે. જોકે તે પ્રથમ બોલે આઉટ થયો નહોતો. જ્યારે રોહિત શર્મા અને ધવન ૧-૧ વાર શૂન્ય રને આઉટ થઈ ચુક્યા છે.