ઇંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે અચાનક ક્રિકેટમાંથી બ્રેક લીધો

283

(જી.એન.એસ)લંડન,તા.૩૧
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને ભારત સામે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીના માત્ર ૫ દિવસ પહેલા સૌથી મોટો આંચકો લાગ્યો છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ટેસ્ટ શ્રેણી માટે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે સ્ટોક્સને શ્રેણીમાંથી બહાર કરવાની જાહેરાત કરી હતી. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ(ઇસીબી)એ એક નિવેદન જાહેર કરીને કહ્યું, સ્ટોક્સ અનિશ્ચિત સમયગાળા માટે ક્રિકેટમાંથી આરામ લઈ રહ્યો છે. સ્ટોક્સના આ નિર્ણય પાછળનું કારણ તેની આંગળીની ઈજા છે, આ વર્ષે આઈપીએલ ૨૦૨૧ દરમિયાન તેને ફ્રેક્ચર થયું હતું. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી ૪ ઓગસ્ટથી નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ મેદાન પર શરૂ થઈ રહી છે. આ શ્રેણી સાથે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું નવું ચક્ર પણ શરૂ થશે. ઇસીબીએ એક નિવેદન જાહેર કરી સ્ટોક્સના નિર્ણય વિશે જાણકારી આપી. ઈસીબીના નિવેદન મુજબ સ્ટોક્સે ભારતની સામે આગામી અઠવાડિયાથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરિઝ પહેલા ઈંગ્લેન્ડના ટેસ્ટ સ્કવોડમાંથી પોતાનું નામ પરત લીધું છે. કારણ કે તે પોતાના માનિસક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી રહ્યા છે અને આરામ કરવા ઈચ્છે છે. ઈસીબીએ બેનના નિર્ણયને પૂરૂ સમર્થન આપ્યું છે અને ક્રિકેટથી દુર રહેવાના સમયમાં તેમની મદદ કરશે. ઈંગ્લેન્ડ પુરૂષ ક્રિકેટના મેનેજિંગ ડિરેક્ટર એશ્લે જાઈલ્સે કહ્યું, બેન સ્ટોક્સે પોતાની ભાવનાઓ અને સ્વાસ્થ્ય વિશે ખુલીને જણાવી ખુબ સાહસ બતાવ્યું છે. ખેલાડીઓનું માનસિક સ્વાસ્થ્ય અને પોતાના લોકોનું કલ્યાણ હંમેશાથી અમારૂ પ્રાથમિક ફોક્સ રહ્યું છે અને આગળ પણ રહેશે. તેમને સાથે જ કહ્યું બેનને જેટલો સમય જોઈએ તેટલો સમય આપવામાં આવશે અને અમે ભવિષ્યમાં ક્રિકેટ રમતો જોવાની રાહ જોઈશું. ઈસીબીએ હવે બેન સ્ટોક્સની જગ્યાએ ક્રેગ ઓવરટનને ટીમમાં સામેલ કર્યો છે. ૩૦ વર્ષીય સ્ટોક્સને એપ્રિલમાં આઈપીએલ ૨૦૨૧માં રાજસ્થાન રોયલ્સની પ્રથમ મેચ દરમિયાન કેચ પકડતી વખતે ઈજા થઈ હતી, જેના કારણે તે સમગ્ર ટૂર્નામેન્ટથી બહાર રહ્યા હતા. તે ન્યૂઝીલેન્ડની સામે ટેસ્ટ સિરીઝમાં નહીં રમી શકે.