શ્રીલંકાના ૩ ખેલાડીઓ પર ૨૫,૦૦૦ ડોલરનો દંડ અને ૧ વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો

168

(જી.એન.એસ)કોલંબો,તા.૩૧
શ્રીલંકાના ક્રિકેટર્સ નિરોશન ડિકવેલા અને કુસલ મેન્ડિસે ઈંગ્લેન્ડ પ્રવાસ પર બાયો-બબલનો ભંગ કર્યો હતો, ત્યારબાદ ખેલાડીઓ પર ૧ વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શ્રીલંકા ક્રિકેટે યુકે પ્રવાસ દરમિયાન બાયો-સુરક્ષિત વાતાવરણનું ઉલ્લંઘન કરવા બદલ બેટ્‌સમેન ધનુષ્કા ગુણતિલકા, કુસાલ મેંડિસ અને વિકેટકીપર નિરોશન ડિકવેલા પર ૧ વર્ષનો પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો છે. આ ખેલાડીઓ પર ૨૫,૦૦૦ ડોલરનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. ત્રણેય જૂનમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે મેચ પહેલા ડરહમમાં કોવિડ સુરક્ષા માટે તૈયાર કરવામાં આવેલા બાયો-સુરક્ષિત વાતાવરણનું ઉલ્લંઘન કર્યું હતું. ખરેખર, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કુસલ મેન્ડિસના હાથમાં કોઈ નશીલો પદાર્થ જોવા મળી રહ્યો છે, જે તે નિરોશન ડિકવેલા સાથે ગુપ્ત રીતે લેવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર ફેન્સનો ગુસ્સો ફાટી નીકળ્યો. જે બાદ ત્રણેયને તાત્કાલિક સસ્પેન્ડ કરી ઘરે પરત મોકલવામાં આવ્યા હતા. ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની શિસ્ત સમિતિ દ્વારા ત્રણેયને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.