ભારત ગ્લોબલ લિડરશીપની ક્ષમતા ધરાવે છે :PMમોદી

580

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવું ડિજિટલ સોલ્યુશન લોન્ચ કર્યું : સામાન્ય સંસ્થા કે સંગઠન કોઈ સારવારમાં, કોઈના અભ્યાસમાં મદદ કરવા માગે તો ઈરૂપી આપી શકશે
(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૨
પીએમ નરેન્દ્ર મોદી એ પેમેન્ટની કેશલેસ અને કોન્ટેક્ટલેસ પદ્ધતિ ઈ-રૂપીને લોન્ચ કરી. ઈ-રૂપી ડિજિટલ ચૂકવણીનું પ્લેટફોર્મ છે. તેના દ્વારા લાભાર્થીઓને સીધો ફાયદો પહોંચશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત આજે દુનિયાને જોઈ રહ્યો છે કે ટેક્નોલોજીને એડોપ્ટ કરવામાં, તેનાથી જોડાવવામાં તે કોઈની પણ પાછળ નથી. ઈનોવેશનની વાત હોય, સર્વિસ ડિલિવરીમાં ટેક્નોલોજીનો ઉપયોગ હોય, ભારત દુનિયાના મોટા દેશો સાથે મળીને ગ્લોબલ લીડરશીપ આપવાની ક્ષમતા ધરાવે છે. પીએમએ કહ્યું કે પહેલા આપણા દેશમાં કેટલાક લોકો કહેતા હતા કે ટેક્નોલોજી તો ફક્ત અમીરોની ચીજ છે, ભારત તો ગરીબોનો દેશ છે. આથી ભારત માટે ટેક્નોલોજીનું શું કામ? જ્યારે અમારી સરકારી ટેક્નોલોજીને મિશન બનાવવાની વાત કરતી હતી ત્યારે અનેક રાજનેતા, કેટલાક ખાસ પ્રકારના એક્સપર્ટ્‌સ તેમના પર સવાલ ઉઠાવતા હતા. આજે દેશે તે લોકોની સોચને પણ નકારી છે, અને ખોટી સાબિત કરી છે. આજે દેશની સોચ અલગ છે, નવી છે. આજે આપણે ટેક્નોલોજીને ગરીબોની મદદની, તેમની પ્રગતિના એક ટૂલ તરીકે જોઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે ઈરૂપી એક પ્રકારે વ્યક્તિની સાથે સાથે ચોક્કસ હેતુ પણ છે. જે હેતુથી કોઈ મદદ કે કોઈ બેનિફિટ આપવામાં આવી રહ્યો છે, તે તેના માટે જ ઉપયોગી થશે, ઈરૂપી એ સુનિશ્ચિત કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર જ નહીં, જો કોઈ સામાન્ય સંસ્થા કે સંગઠન કોઈ સારવારમાં, કોઈના અભ્યાસમાં કે બીજા કામ માટે કોઈ મદદ કરવા માંગે તો કેશની જગ્યાએ ઈરૂપી આપી શકશે. તેનાથી એ સુનિશ્ચિત થશે કે તેના દ્વારા અપાયેલું ધન, તે જ કામમાં ઉપયોગમાં લેવાયું છે જે કામ માટે તે રકમ અપાઈ છે. પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું કે આજે દેશ ડિજિટલ ગવર્નન્સને એક નવો આયામ આપી રહ્યો છે. ઈરૂપી વાઉચર દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને, ડીબીટીને વધુ પ્રભાવી બનાવવામાં મોટી ભૂમિકા ભજવનાર છે. તેનાથી ટાર્ગેટેડ, ટ્રાન્સપરન્ટ અને લિકેજ ફ્રિ ડિલિવરીમાં બધાને મોટી મદદ મળશે. મળતી માહિતી મુજબ ઈ વાઉચર તરીકે મોબાઈલ પર ક્યુઆર કોડ કે એસએમએસ મળશે. અનેક સરકારી યોજનાઓમાં ઈ-રૂપીનો ઉપયોગ કરવામાં આવશે. તેનાથી કેશ લેવડદેવડ ઘટશે અને મધ્યસ્થની ભૂમિકા ખતમ થશે. આ દરમિયાન પીએમ મોદીએ ટ્‌વીટ કરીને કહ્યુ કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં એવી ઘટનાઓ થઈ છે, જે દરેક ભારતીય માટે સુખદ છે. આ સાથે જ બીજી ટ્‌વીટમાં તેમણે ઓલમ્પિકમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શનના વખાણ કરતા કહ્યુ કે આશા છે કે ભારતને નવી ઉંચાઈઓ સુધી પહોંચાડવા માટે ૧૩૦ કરોડ ભારતીય કડક મહેનત ચાલુ રાખશે.પીએમ નરેન્દ્ર મોદીએ ટ્‌વીટ કરીને કહ્યુ, જેવો ભારતે ઓગસ્ટમાં પ્રવેશ કર્યો છે, તે અમૃત મહોત્સવની શરૂઆતનું પ્રતીક છે. અમે કેટલીય એવી ઘટનાઓ જોઈ છે જે દરેક ભારતીય માટે સુખદ છે. રેકોર્ડ ટીકાકરણ થયુ છે અને ઉચ્ચ જીએસટી સંખ્યા પણ મજબૂત આર્થિક ગતિવિધિનો સંકેત આપી રહી છે.બીજી ટ્‌વીટમાં પીએમ મોદીએ કહ્યુ, પીવી સિંધુએ ના માત્ર એક યોગ્ય પદક જીત્યો છે પરંતુ અમે ઓલમ્પિકમાં પુરૂષ અને મહિલા હૉકી ટીમના ઐતિહાસિક પ્રયાસો પણ જોયા છે. મને આશા છે કે ૧૩૦ કરોડ ભારતીય, ભારતને નવી ઉંચાઈઓ સુધી પહોંચાડવા માટે કડક મહેનત કરવાની ચાલુ રાખશે, કેમ કે દેશ અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે.