વૃક્ષો કાપનાર રિયલ એસ્ટેટ ગ્રુપને ૪૦ કરોડનો દંડ અને ૧૦૦ વૃક્ષો વાવવા આદેશ

144

(જી.એન.એસ.)કલકત્તા, તા.૨
કલકત્તા હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. આ ચુકાદા અનુસાર કોર્ટે એક રિયલ એસ્ટેટ ગ્રુપને ૧૫ દિવસની અંદર ૪૦ કરોડ રુપિયા ચુકવવાનો આદેશ આપ્યો છે. આ સિવાય આ ગ્રુપે સો વૃક્ષો પણ ઉગાડવા પડશે. પ્રાપ્ત જાણકારી અનુસાર રસેલ સ્ટ્રીટ પર સેવન સ્ટાર હોટલ બનાવવા માટે ૬૨ વૃક્ષોને ગેરકાયદેસર રીતે કાપવામાં આવ્યા હતા. આ કારણોસર રિયલ એસ્ટેટ ગ્રુપ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે કડક ટિપ્પણી કરતાં કહ્યું કે, આ પ્રકારના કૃત્યને કારણે પર્યાવરણને નુકસાન પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે આ કેસ ફેબ્રુઆરી ૨૦૧૭નો છે. કોર્ટે આ કેસ પર ૨૬મી જુલાઈના રોજ ચુકાદો આપ્યો હતો. પોતાના ત્રણ પાનાનાં આદેશમાં ન્યાયમૂર્તિ રાજશેખર મંથાએ કમેન્ટ કરીને કહ્યું કે, જો કે અરજદારની અપીલ આકર્ષક લાગી રહી છે, પરંતુ ૨૦૦૬ના અધિનિયમ અનુસાર કારાવાસની સજા આપવાથી વૃક્ષો પાછા નહીં આવે. માટે રાજ્ય અથવા વન વિભાગને વળતર ચુકવવું યોગ્ય નિર્ણય ગણાશે. આનાથી આરોપીને દંડ પણ મળશે અને પ્રાયશ્ચિત પણ થશે. આ વળતરની રકમનો ઉપયોગ સામાન્યપણે પર્યાવરણના સંરક્ષણ માટે કરવામાં આવે છે. ૨૦૦૬ના અધિનિયમ અંતર્ગત આ કેસની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. આ અધિનિયમ અંતર્ગત કોઈ પણ વ્યક્તિને ૫૦૦૦ રુપિયા દંડ અને એક વર્ષની જેલની સજા ફટકારી શકાય છે. કોર્ટ ઈચ્છે તો બન્ને સજા ફટકારી શકે છે. આ સિવાય જ્યાં સુધી પૂરતી સંખ્યામાં વૃક્ષ ઉગાડવામાં ના આવે ત્યાં સુધી દરરોજ ૫૦ રુપિયાનો દંડ પણ ભરવો પડે છે. અદાલતે જણાવ્યું કે જો ૧૫ દિવસમાં ૪૦ કરોડ રુપિયા ચુકવવામાં નહીં આવે તો ગુનો કમ્પાઉન્ડ થઈ જશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો દંડ ભર્યા પછી પણ રિયલ એસ્ટેટ ગ્રુપે પોતાની પ્રોપર્ટીના ડેવલપમેન્ટમાં તમામ કાયદાઓનું પાલન કરવું પડશે.