કોરોનાના દૈનિક કેસ ૪૦ હજાર પર સ્થિરઃ વધુ ૫૩૩ના મોત

626

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૫
ભારતમાં આજે પણ ગઈકાલની જેમ જ કોરોનાના નવા કેસની સંખ્યા ૪૦ને પાર પહોંચી ગઈ છે. જોકે, ગઈકાલની સરખામણીમાં નવા કેસ વધારે નોંધાયા છે અને મૃત્યુઆંકમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. બીજી તરફ સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ આંશિક વધારો નોંધાયો છે. ગઈકાલે દેશમાં કોરોનાના નવા ૪૨,૬૨૫ કેસ નોંધાયા હતા અને ૫૬૨ દર્દીઓના મોત થયા હતા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના નવા ૪૨,૯૮૨ કેસ નોંધાયા છે અને ૫૩૩ દર્દીઓના મોત થયા છે, જે ગઈકાલની સરખામણીમાં ઓછા છે. દેશમાં સળંગ છ દિવસ નવા કેસનો આંકડો ૪૦,૦૦૦ને પાર ગયા પછી એક દિવસ માટે કેસ ૩૦ હજારે પહોંચ્યા પછી ફરી બે દિવસથી નવા કેસ ૪૦ હજરને પાર કરી રહ્યા છે.
દેશમાં કોરોનાથી મૃત્યુદર ૧.૩૪ ટકા છે જ્યારે રિકવરી રેટ ૯૭ ટકાથી વધુ છે. એક્ટિવ કેસ ૧.૨૯ ટકા છે. કોરોનાના એક્ટિવ કેસના મામલામાં ભારત વિશ્વમાં ૮માં સ્થાન પર છે.
જ્યારે કુલ સંક્રમિતોના મામલે અમેરિકા બાદ બીજા સ્થાને છે. પાછલા ૨૪ કલાકમાં વધુ ૪૧,૭૨૬ દર્દીઓ સાજા થવાથી કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૪૧,૭૨૬ નોંધાયા છે, જે ગઈકાલે ૩૬,૬૬૮ હતી. કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે કેન્દ્ર દ્વારા રાજ્ય સરકારોને જરુરી જગ્યાઓ પર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની સાથે વાયરસને ફેલાતો રોકવા માટે પગલા ભરવાની સૂચનાઓ આપવામાં આવી છે. બીજી લહેર નબળી પડ્યા પછી મળેલી છૂટછાટોના કારણે બજારો સહિત હરવા-ફરવાના સ્થળો પર ભારે ભીડ જોવા મળી રહી છે. દેશમાં કોરોનાના કુલ સંક્રમણનો આંકડો ૩,૧૮,૧૨,૧૧૪ પર પહોંચ્યો છે, કુલ ૩,૦૯,૭૪,૭૪૮ દર્દીઓ સાજા થયા છે અને ૪,૨૬,૨૯૦ દર્દીઓએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે. દેશમાં કોરોનાના નવા કેસ ૪૦ને પાર જતા એક્ટિવ કેસ વધીને ફરી એકવાર ૪,૧૧,૦૭૬ પર પહોંચ્યા છે. દેશમાં ગઈકાલ સુધીમાં કુલ વેક્સિનેશનના ૪૮,૯૩,૪૨,૨૯૫ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોરોનાના વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ ચાલુ વર્ષમાં ૧૬ જાન્યુઆરીએ કરવામાં આવ્યો હતો. આઇસીએમઆર મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ગઈકાલ સુધીમાં એટલે કે ૪ ઓગસ્ટ સુધીમાં કુલ ૪૭,૪૮,૯૩,૩૬૩ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ૪ ઓગસ્ટના રોજ વધુ ૧૮,૪૭,૫૧૮ સેમ્પલ લેવામાં આવ્યા હતા. કેરલમાં બુધવારે કોવિડના ૨૨૪૧૪ નવા કેસ સામે આવ્યા, ત્યારબાદ રાજ્યમાં કુલ સંક્રમણની સંખ્યા વધીને ૩૪ લાખ ૭૧ હજાર ૫૬૩ થઈ ગઈ છે. તો ૧૦૮ લોકોના મોત બાદ મૃતકોની સંખ્યા વધીને ૧૭,૨૧૧ થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ ૩૨ લાખ ૭૭ હજાર ૭૮૮ લોકો હજુ સુધી સંક્રમણ મુક્ત થયા છે. તો હાલમાં ૧,૭૬,૦૪૮ દર્દીઓની સારવાર ચાલી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૯૭,૦૯૨ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યો હતા.

Previous articleટોક્યો ઓલિમ્પિકઃ ભારતીય કુસ્તીબાજ રવિ કુમાર દહિયાએ સિલ્વર મેડલ જીત્યો
Next articleકોરોનાના ડેલ્ટા વેરિઅન્ટનો અત્યાર સુધી ૧૩૫ દેશોમાં પગપેસારોઃ WHO