પેગાસસ-જાસૂસી આરોપો ગંભીર બાબત ગણાયઃ સુપ્રિમ કોર્ટ

348

સુપ્રિમ કોર્ટે તમામ અરજીઓની કોપી કેન્દ્ર સરકારને મોકલી : આ મામલે વધુ સુનાવણી ૧૦ ઑગસ્ટ મંગળવારે થશે, કપિલ સિબ્બલે સરકારને નોટિસ ફટકારવા માંગ કરી
ન્યુ દિલ્હી,તા.૫
જે પેગાસસ જાસૂસી કાંડને લઈને મોટો હંગામો મચ્યો છે, આજે એ જ મામલે સુપ્રીમ કોર્ટમાં પહેલી વખત સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે અપીલકર્તાઓની દલીલો સાંભળ્યા બાદ કહ્યું કે, જો રિપોર્ટ સાચા હોય તો તેમાં કોઈ શંકા નથી કે આરોપ ગંભીર છે. તો, કપિલ સિબ્બલે મામલાને ગંભીર જણાવતા સીજેઆઈને અપીલ કરી કે, કેન્દ્ર સરકારને નોટિસ જારી કરે. હવે આ મામલાની સુનાવણી ૧૦ ઓગસ્ટે થશે.ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં પેગાસસ જાસૂસી મામલાને લઈને જુદી-જુદી અરજીઓ કરવામાં આવી છે અને આ અરજીઓમાં પેગાસસ જાસૂસી કાંડની કોર્ટની નજર હેઠળ એસઆઈટી તપાસ કરાવવા માગ કરાઈ છે. તેમાં નેતાઓ, એક્ટિવિસ્ટ, એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા અને સીનિયર પત્રકારો એન. રામ અન શશિ કુમાર દ્વારા અપાયેલી અરજીઓ પણ સામેલ છે. જસ્ટિસ એન વી રમના અને જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચ તેની સુનાવણી કરી રહી છે. મામલામાં જાહેરહિતની અરજી કરનારા વકીલ એમ એલ શર્માએ સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલને રોક્યા તો સીજેઆઈએ તેની સામે વાંધો ઉઠાવ્યો. સીજેઆઈ રમનાએ શર્માને કહ્યું કે, ’તમારી અરજીમાં ન્યૂઝ પેપરોના કટિંગ ઉપરાંત શું ડિટેલ છે? તમે ઈચ્છો છો કે બધી તપાસ અમે કરીએ અને સત્ય શોધીએ. આ જાહેરહિતની અરજી દાખલ કરવાની કોઈ રીત નથી.’ સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે કહ્યું કે, આ મામલે વિદેશી કંપનીઓ પણ સામેલ છે. આ એક જટિલ મામલો છે. નોટિસ લેવા માટે કેન્દ્ર તરફથી કોઈએ હાજર રહેવું જોઈતું હતું. મામલાની સુનાવણી કરતા સીજેઆઈ રમનાએ કહ્યું કે, એ આશ્ચર્યની વાત છે કે, ૨૦૧૯માં પેગાસસનો મુદ્દો સામે આવ્યો અને કોઈએ પણ જાસૂસી અંગે ખરાઈ યોગ્ય સામગ્રી એકત્ર કરવાનો કોઈ ગંભીર પ્રયાસ ન કર્યો. તેમણે કહ્યું કે, ’મોટાભાગની જાહેરહિતની અરજીઓ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય ન્યૂઝ પેપરોના સમાચાર પત્રોના કટિંગ પર આધારિત છે.’ તેમણે કહ્યું કે, ’અમે એમ નથી કહેતા કે, આ મામલે બિલકુલ કોઈ સામગ્રી નથી. અમે બધાને ન્યૂઝ પેપરોના રિપોર્ટ અને પ્રતિષ્ઠિત પત્રકારોની સામગ્રી નથી કહેવા ઈચ્છતા. જે લોકોએ અરજી દાખલ કરી છે, તેમાંથી કેટલાકે દાવો કર્યો છે કે, તેમના ફોન હેક થઈ ગયા છે. તમે આઈટી અને ટેલિગ્રાફિક એક્ટની જોગવાઈઓને સારી રીતે જાણો છો. એવું લાગે છે કે, તેમણે ફરિયાદ નોંધાવવાનો કોઈ પ્રયાસ નથી કર્યો. આ બાબત અમને પરેશાન કરી રહી છે.