દિલ્હીમાં આરોગ્ય મંત્રી માડવિયા અને પૂનાવાલા વચ્ચે મુલાકાત થઇ

155

ન્યુ દિલ્હી,તા.૬
કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેર વચ્ચે, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે ??સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલા સાથે મુલાકાત કરી. કોવિશિલ્ડ રસીનો પુરવઠો વધારવા માટે બંને વચ્ચે ચર્ચા થઈ હતી. બેઠક બાદ પૂનાવાલાએ કહ્યું કે અમારી વચ્ચે કોરોનાની રસી કોવિશિલ્ડનું ઉત્પાદન વધારવા માટે ચર્ચા થઈ હતી.દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોના સંક્રમણની લહેર શાંત થઈ ગઈ છે, પરંતુ કેટલાક રાજ્યોમાં ફરી કેસ વધવાને કારણે ત્રીજી લહેરનો ખતરો ઉભો થયો છે. આવી સ્થિતિમાં આરોગ્ય મંત્રી અને પૂનાવાલા વચ્ચેની બેઠક ખૂબ મહત્વની માનવામાં આવે છે. બેઠક પૂરી થયા બાદ પૂનાવાલ્લાએ કહ્યું કે ચેપને સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવવા માટે કોવિશિલ્ડની ઉત્પાદન ક્ષમતા વધારવા પર વાતચીત થઈ હતી. તેમણે કહ્યું કે યુરોપના લગભગ ૧૭ દેશોએ કોવિશિલ્ડને મંજૂરી આપી છે અને ઘણા દેશો હજુ પણ મંજૂરી માટે કતારમાં ઉભા છે. આ દરમિયાન, એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઓગસ્ટ મહિનામાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો કોરોનાની ત્રીજી લહેર આવે છે, તો દરરોજ એકથી બે લાખ કેસ નોંધાઈ શકે છે. આવી સ્થિતિમાં આરોગ્ય મંત્રી અને આદર પૂનાવાલાએ કોવિશિલ્ડ રસીની ઉત્પાદન ક્ષમતા તાત્કાલિક વધારવાની વાત કરી. હૈદરાબાદ અને કાનપુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી)માં મથુકુમલ્લી વિદ્યાસાગર અને મનીન્દ્ર અગ્રવાલના નેતૃત્વ હેઠળના સંશોધનમાં દાવો કરવામાં આવ્યો હતો કે ત્રીજી લહેરની ટોચ ઓક્ટોબરમાં જોઇ શકાય છે. આ સમયે દેશમાં ત્રીજી લહેરનો ખતરો છે, જ્યારે હજુ પણ બીજી લહેર સંપૂર્ણપણે શાંત થઈ નથી. ત્રણ દિવસ પહેલા આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે દેશમાં હજુ બીજી લહેર છે. તેમણે કહ્યું કે વિશ્વભરમાં ફરી કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. ભારતમાં છેલ્લા ૪ અઠવાડિયામાં, લગભગ ૧૮ જિલ્લાઓમાં કોરોના ચેપના કેસોમાં ઝડપથી વધારો થયો છે.