ટોક્યો ઓલિમ્પિકમાં બજરંગે રેસલિંગમાં બ્રોન્ઝ જીત્યો

113

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે વધુ એક મેડલ મેળવ્યો : ભારતને રેસલિંગમાં રવિ કુમાર દહિયા બાદ બજરંગ પુનિયાએ મેડલ અપાવ્યો
ટોક્યો, તા.૭
ટોક્યો ઓલિમ્પિકથી સારા સમાચાર આવ્યા છે. ભારતની મેડલ ટેલીમાં વધુ એક મેડલનો વધારો થયો છે. ભારતીય રેસલર બજરંગ પૂનિયાએ કઝાખસ્તાનના દૌલત નિયાઝબેકોવને ને ૮-૦ થી હરાવી બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. આ સાથે ઓલિમ્પિકમાં ભારતને આ છઠ્ઠો મેડલ મળ્યો છે. રેસલિંગમાં રવિ કુમાર દહિયા બાદ બજરંગ પૂનિયાએ દેશને વધુ એક મેડલ અપાવ્યો છે.
બજરંગ પૂનિયાના બ્રોન્ઝ મેડલ સાથે ભારતે પણ ઓલિમ્પિક્સમાં પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની બરાબરી કરી લીધી છે. ભારતે બીજી વખત ઓલિમ્પિક્સમાં છ મેડલ જીત્યા છે. ટોક્યો પહેલા ૨૦૧૨ લંડન ઓલિમ્પિક્સમાં પણ ભારતે છ મેડલ જીત્યા હતા. ટોક્યોમાં ભારતે અત્યાર સુધી બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા છે. જ્યારે લંડન ગેમ્સમાં પણ ભારતે બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.બજરંગ પૂનિયાએ શરૂઆતમાં જ સરસાઈ મેળવી લીધી હતી. તેણે ૨-૦ની સરસાઈ મેળવી હતી અને ત્યારબાદ આક્રમક પ્રદર્શન કરીને સરસાઈ ૪-૦ કરી દીધી હતી. હજી કઝાકિસ્તાનનો રેસલર કંઈ દાવપેચ અજમાવે તે પહેલા જ બજરંગ પૂનિયાએ સરસાઈ ૬-૦ કરી દીધી હતી. અંતે બજરંગે ૮-૦થી મુકાબલો જીતવાની સાથે બ્રોન્ઝ મેડલ પણ જીતી લીધો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બ્રોન્ઝ મેડલ જીતવા બદલ બજરંગ પૂનિયાની પ્રશંસા કરી છે અને તેને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, ટોક્યોમાંથી આનંદદાયક સમાચાર આવ્યા. બજરંગ પૂનિયાએ શાનદાર પ્રદર્શન કર્યું. તમારી સિદ્ધિ માટે અભિનંદન. આ સાથે જ ટોક્યો ઓલિમ્પિક્સમાં મેડલ જીતનારો બજરંગ પૂનિયા બીજો રેસલર બન્યો છે. રવિ દહિયાએ પણ ટોક્યોમાં મેડલ જીત્યો છે. રવિ દહિયાએ ટોક્યો ગેમ્સમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. અગાઉ ટોકિયો ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઈનલમાં બજરંગ પૂનિયાનો સામનો ઈરાનના મોર્તજા ગેસી ચેકા સાથે થયો હતો. શરૂઆતમાં બજરંગ ૦-૧થી પાછળ હતા પરંતુ બીજા ક્વાર્ટરમાં તેમણે જબરદસ્ત વાપસી કરી અને બે પોઈન્ટ મેળવ્યા હતા. આખરી મિનિટમાં ભારતીય પહેલવાને દાવ ખેલ્યો અને ઈરાનનો મોર્તજા પછડાયો. બજરંગ પુનિયાએ શાનદાર જીત મેળવી હતી. ટોક્યોમાં ભારતને કુલ છઠ્ઠો મેડલ મળ્યો છે. ભારતના ખાતામાં બે સિલ્વર મેડલ અને ચાર બ્રોન્ઝ મેડલ મળ્યા છે. મીરાબાઈ ચાનૂ અને રવિ કુમાર દહિયાને સિલ્વર મેડલ મળ્યો છે. તો પીવી સિંધુ, ભારતીય પુરૂષ હોકી ટીમ, બોક્સર લવલીના અને બજરંગ પૂનિયાએ બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. મહત્વનું છે કે ૨૦૧૨ના લંડન ઓલિમ્પિકમાં પણ ભારતને છ મેડલ મળ્યા હતા.