ભુવનેશ્વરમાં આવેલ રાજા-રાણી અને લિંગરાજ મંદિરનું મોનિટરિંગ ડ્રોનથી થશે

445

ન્યુ દિલ્હી,તા.૭
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે રાષ્ટ્રીય વિજ્ઞાન શિક્ષા અને સંશોધન સંસ્થા ભુવનેશ્વરને ડ્રોનનો ઉપયોગ કરવા માટે મંજૂરી આપી દીધી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન ડિરેક્ટોરેટ જનરલે માનવ રહિત વિમાન પ્રણાલી નિયમ, ૨૦૨૧ અંતર્ગત રાષ્ટ્રીય વિજ્ઞાન શિક્ષા અને સંશોધન સંસ્થા ભુવનેશ્વરને શરતી મંજૂરી આપી છે. આ પ્રકારની છૂટ મળ્યા બાદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ના સહયોગથી ડ્રોન દ્વારા કેન્દ્રીય રૂપથી સંરક્ષિત સ્મારકોનું હવાઈ સર્વેક્ષણ અને ફોટોગ્રામેટ્રી કરી શકાશે. એનઆઇએસઇઆરના કહેવા પ્રમાણે સરકારી મંજૂરી બાદ તે ભુવનેશ્વર ખાતે આવેલા રાજા-રાણી મંદિર અને લિંગરાજ મંદિર ઉપર ડ્રોન દ્વારા મોનિટરિંગ કરશે. આ મંજૂરી મંજૂરીની તારીખથી એક વર્ષની અવધિ માટે અથવા તો આગામી આદેશ સુધી માન્ય છે અને ડીજીસીએ દ્વારા જાહેર કરવામાં આવેલી માનક સંચાલન પ્રક્રિયાઓના નિયમો અને શરતોને આધીન હશે. ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં હરિયાણાને પણ ડ્રોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય અમૃત શહેરો જેવા કે હિસાર, પંચકુલા અને અંબાલા શહેરી ક્ષેત્રના વિકાસ અને પ્રોપર્ટી ટેક્સ સર્વે માટે ડેટા અધિગ્રહણ, મેપિંગ જેવી જાણકારીઓ મેળવવાનો હતો.