અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ પ્રદર્શનકારીઓ સામે કર્યો ગોળીબાર

120

,કાબુલ, ૧૯
તાલિબાનના શાસનમાં સામાન્ય લોકોની સ્વતંત્રતાને લઈને અફઘાનિસ્તાન આજે સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યું છે. આ પ્રસંગે રાજધાની કાબુલ સહિત ઘણા શહેરોમાં લોકોએ અફઘાનિસ્તાનનો ઝંડો લઈને તાલિબાન સામે દેખાવો કર્યા. કાબુલમાં રાષ્ટ્રપતિ ભવનની નજીક પણ લોકોએ પ્રદર્શન કર્યુ. તેમા મહિલાઓ અને પુરુષો સામેલ હતા. દેશના અન્ય ભાગોમાં થયેલા પ્રદર્શનોના લીધે ગભરાયેલા તાલિબાનીઓએ ભીડ પર ગોળીઓ ચલાવી. તેના લીધે કેટલાયના જીવ ગયા અને કેટલાય કેટલાય ઇજા પામ્યા. કાબુલમાં મહિલાઓ અને પુરુષો કાળા, લીલા અને લાલ રંગવાળા અફઘાની ઝંડાને લઈને રસ્તાઓ પર નીકળ્યા. કુનાર પ્રાંતની રાજધાની અસાદબાદમાં રેલી દરમિયાન કેટલાય લોકોના જીવ ગયા. હજી સુધી તે સ્પષ્ટ નથી કે આ લોકોના મોત ગોળી લાગવાના લીધે થયા કે ગોળી ચાલવાના લીધે લાગેલી ભાગદોડથી થયા. એક નજરે જોનારાએ જણાવ્યું હતું કે અમે ડરના લીધે રેલીમાં ન જવાનો નિર્ણય લીધો, પરંતુ પડોશીઓને જતાં જોઈને અમે પણ ગયા. તાલિબાનની સામે જલાલાબાદ અને પકટિયા પ્રાંતના શહેરોમાં પણ લોકો રસ્તા પર નીકળ્યા. ઉલ્લેખનીય છે કે જલાલાબાદમાં સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા લોકોએ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને તાલિબાનનો ઝંડો ઉતારી દીધો. આ દરમિયાન ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા હતા. ફક્ત એટલું જ નથી અફઘાનિસ્તાનની પંજશીર ઘાટીમાં પહોંચેલા વિપક્ષી નેતા નોર્ધર્ન એલાયન્સના બેનર હેઠળ સશસ્ત્ર વિરોધ કરવા અંગે ચર્ચા કરી રહ્યા છે. આ સ્થળ નોર્ધર્ન એલાયન્સના લડવૈયાઓનો ગઢ છે.તેમણે ૨૦૦૧માં તાલિબાનની સામે અમેરિકાને સાથ આપ્યો હતો. આ એકમાત્ર એવો પ્રાંત છે જે તાલિબાનના હાથમાં આવ્યો નથી. તાલિબાને હજી સુધી સરકાર ચલાવવાની યોજના રજૂ કરી નથી. તેણે ફક્ત એટલું જ જણાવ્યું છે કે તે શરિયા કે ઇસ્લામિક કાયદાના આધારે સરકાર ચલાવશે.

Previous articleરાજૌરીમાં અથડામણમાં એક આતંકવાદી ઠાર, જવાન શહીદ
Next articleઆજે પીએમ સોમનાથમાં : પાર્વતી માતાજીના મંદિરનો કરશે શિલાન્યાસ