મહારાષ્ટ્રમાં રોડ અકસ્માતમાં ૧૩ના મોત

148

ભીષણ અકસ્માતમાં ૪ મજૂરોની હાલત ગંભીર : બુલઢાણા જિલ્લામાં ૧૬ મજૂરોને લઈને જઈ રહેલું ડમ્પર પલટી ગયું : ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
મુંબઈ, તા.૨૦
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ભયંકર રોડ અકસ્માતમાં ૧૩ મજૂરોનાં મોત થયા છે. ૧૬ મજૂરોને લઈને જઈ રહેલું વાહન પલટી જતા આ અકસ્માત સર્જાયો હતો. જ્યારે અન્ય મજૂરોને ગંભીર ઈજાઓ થતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ દુર્ઘટના સિંધખેડરાજા-મેહકર રોડ પર આવેલા તાડેગાંવ ફાટા પાસેના દુસરબીડ ગામ પાસે બપોરે બાર વાગે સર્જાઈ હતી.
આ મામલે બુલઢાણાના સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ અરવિંદ ચાવરિયાએ જણાવ્યું કે, આ તમામ મજૂરોને નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસવે પ્રોજેક્ટના કામકાજ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. આ ડંપરમાં કુલ ૧૬ મજૂરોને કામના સ્થળે લઈ જવામાં આવી રહ્યાં હતા. જ્યારે આ ડમ્પર મજૂરોને લઈને જઈ રહ્યું હતું ત્યારે તે સ્પીડમાં હતુ અને રસ્તામાં મોટો ખાડો આવતા તે પલટી ગયુ હતુ. આ દુર્ઘટનામાં ૧૨ મજૂરોનાં મોત થયા છે અને અન્ય મજૂરોને ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ પોલીસને થતાં જ કિનગાંવ રાજા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને જાલના જિલ્લાની સરકારી હોસ્પિટલ અને સિંધખેડરાજાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, આ તમામ મજૂરો બિહાર અને ઉત્તર પ્રદેશના વતની હતા.

Previous articleજ્હોન્સન એન્ડ જ્હોન્સને કોવિડ રસીની ટ્રાયલની મંજૂરી માંગી
Next articleતાલિબાન દ્વારા ન્યૂઝ એન્કર શબનમ દાવરાનને ધમકી