ત્રીજી લહેરની શક્યતાઓને લીધે સરકારે શરૂ કરી તૈયારી

132

ખાસ દવાઓનો સ્ટોક તૈયાર કરી રહી છે સરકાર : બીજી લહેરની હાલાકીને ધ્યાનમાં રાખી રેમડેસિવિયર સહિતની દવાનો જથ્થો એકત્રિત કરવામાં આવી રહ્યો છે
મુંબઈ, તા.૨૧
કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને સરકારે તૈયારી શરુ કરી છે. આ તૈયારીના ભાગ રુપે સરકાર કોરોનાની સારવાર દરમિયાન ઉપયોગમાં લેવાતી અગત્યની દવાઓનો રાષ્ટ્રીય સ્તર પર ભંડાર તૈયાર કરી રહી છે, જેથી કટોકટીના સમયમાં દવાઓ તમામ લોકોને ઓછી કિંમતમાં અને સરળતાથી મળી રહે.શરૂઆતમાં સરકાર લગભગ ૧૫ દવાઓનો બફર સ્ટોક તૈયાર કરશે. આ ૧૫ દવાઓમાં એન્ટી-વાઈરલ રેમડેસિવિયર, એન્ટીબાયોટિક tocilizumab અને બ્લેક ફંગસની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી એમ્ફોટેરિસિન બીનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે એપ્રિલથી જૂન મહિના દરમિયાન આખા દેશમાં કોરોનાની બીજી લહેરને કારણે કોહરામ મચી ગયો હતો. આ સમયે દવાઓની તંગી મોટા પ્રમાણમાં જોવા મળી હતી. લોકોએ દવાઓ મેળવવા માટે ચારેબાજુ ધક્કા ખાવા પડતા હતા. દવાઓની કાળાબજારી પણ મોટા પ્રમાણમાં થઈ હતી અને દવાઓની કિંમતો પણ સાતમા આસમાને પહોંચી ગઈ હતી. આખરે આ સ્થિતિમાં સામાન્ય માણસે નુકસાન વેઠવુ પડ્યુ હતું. આ પ્રકારની સ્થિતિને ટાળવા માટે સરકાર દવાઓનો અત્યારથી સંગ્રહ કરી રહી છે. રેમડેસિવિયરની વાત કરવામાં આવે તો તાજેતરમાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા અને કંપનીઓ દ્વારા સપ્લાય મોકલવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક ધોરણે રેમેડિસિવિયરની ૫૦ લાખ વાયલનો સ્ટોક ભેગો કરવાની યોજના છે. કોરોનાનો સામનો કરવા માટે સ્વાસ્થ્યના માળખામાં સુધારો કરવા માટે જુલાઈ મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા ૨૩,૧૨૩ કરોડ રુપિયાના પેકેજને માન્યતા આપવામાં આવી હતી. દવાઓનો ભંડાર તૈયાર કરવા માટે તે પેકેજમાંથી ફંડનો ઉપયોગ કરવામાં આવશે. માત્ર દવાઓ જ નહીં, કેન્દ્ર દ્વારા ઓક્સિજન સપ્લાય સ્ટ્રેટેજી પર પણ કામ કરવામાં આવી રહ્યું છે અને આઈસીયુની તૈયારી પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. લગભગ ૨.૪ લાખ મેડિકલ બેડ અને ૨૦,૦૦૦ આઈસીયુ તૈયાર કરવામાં આવશે. નવા પેકેજ અંતર્ગત, કેન્દ્ર દ્વારા ૧૫,૦૦૦ કરોડ ફાળવવામાં આવશે અને રાજ્ય ૮૧૩૨ કરોડ રુપિયાનું યોગદાન આપશે. ગુજરાત સહિતના અનેક રાજ્યોએ ત્રીજી લહેરનો સામનો કરવા માટે તૈયારી શરુ કરી દીધી છે. દવાઓનો ભંડાર તૈયાર કરવામાં આવશે તો કંપનીઓને પણ ઈન્વેન્ટરીનું સંચાલન કરવામાં અને સપ્લાય ચેઈનને મજબૂત બનાવવામાં મદદ મળશે. દવાઓનો સ્ટોક ભલે તૈયાર કરવામાં આવ્યો હોય, પરંતુ સરકાર દ્વારા કંપનીઓને સૂચના આપવામાં આવી છે કે જે દવાઓને તૈયાર કરવામાં ૧૫-૨૦ દિવસનો સમય લાગે છે તેનો પૂરતો જથ્થો તૈયાર રાખે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં કોરોનાના કેસમાં ઘટાડો થવાને કારણે દવાઓની માંગ પણ ઘટી હતી અને કંપનીઓએ તેના ઉત્પાદનમાં પણ કાપ મૂક્યો હતો. આ ક્ષેત્રના એક નિષ્ણાંતે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર દરમિયાન જે થયું તેને ધ્યાનમાં રાખીને દવાઓનો પદ્ધતિસર સંગ્રહ કરવો જરુરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો આ બાબતે કામ કરી રહી છે. આપણે તૈયાર રહેવું પડશે. કંપનીઓ પણ તેમની પ્રોડક્શન સાયકલ અને ઈન્વેન્ટરી મેનેજમેન્ટ પર કામ કરી રહી છે જેથી મુશ્કેલ પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકાય.

Previous articleમધ્ય તેમજ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા
Next articleપૃથ્વી તરફ આવી રહી છે ૯૪ હજાર કિમી પ્રતિ કલાકની ઝડપે ઉલ્કા : નાસા