રંઘોળા ગામે ભાઈને રાખડી બાંધી પરત ફરતી બેનનો કાળે કેડો કાપ્યો

149

ભૂતિયા ગામ નજીક ઈકો કાર -બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માત : મહિલાનું મોત, મૃતક મહિલાના પતિને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો : હાલત ગંભીર
ભાવનગર જિલ્લાના સિહોર-સોનગઢ હાઈવે પર ભૂતિયા ગામ નજીક ઈકો કાર તથા બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માત માં પતિની નઝર સામે પત્નીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જયારે બાઈક ચાલક આધેડ ને ગંભીર ઈજાઓ સાથે સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.સમગ્ર હૃદયદ્રાવક ઘટના અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના નવાગામ-બડેલી ગામે રહેતા શ્રમજીવી આધેડ દલપતભાઈ દેવશીભાઈ રાઠોડ ઉ.વ.૫૫ તથા તેમના પત્ની દેવુબેન ઉ.વ.૫૩ આજે વહેલી સવારે નવાગામ પોતાના ઘરેથી બાઈક લઈને રક્ષાબંધન નિમિત્તે રંઘોળા ગામે રહેતા તેમનાં ભાઈને રાખડી બાંધવા ગયાં હતાં, જયાં રક્ષાબંધન કરી આ દંપતિ પરત પોતાના ગામ તરફ આવી રહ્યું હતું તે વેળાએ સિહોર-સોનગઢ વચ્ચે ભૂતિયા ગામ નજીક મારૂતિ ઈકો કાર નં-જી-જે-૦૪-સી.આર.-૦૯૫૭ના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે અને બેફિકરાઈ પૂર્વક ચલાવી બાઈક સવાર આધેડ દંપતી ને અડફેટે લેતાં દંપતિ રોડપર પટકાયુ હતું જેમાં બાઈક પાછળ બેઠેલ દેવુબેન ને માથામાં ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જયારે ચાલક દલપતભાઈ ને ગંભીર ઇજા પહોંચાડી ઈકો કારનો ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે છોડી નાસી છુટ્યો હતો,આ અકસ્માત ને પગલે અન્ય વાહન ચાલકો રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા અને આધેડને ગંભીર હાલતે સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં આ બનાવની જાણ સોનગઢ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતક મહિલાની લાશનો કબ્જો લઈ પીએમ માટે સિહોર રેફરલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી રક્ષાબંધનના પવિત્ર દિવસે આ કરુણાંતિકા ઘટતાં લોકો માં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.

Previous articleભાવનગરમાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરાઈ
Next articleભાવનગર જેલમાં બંદીવાન ભાઈઓને તેમની બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવ્યો