વોશિંગ્ટન , તા.૨૭
આતંકવાદી સંગઠન ISIS એ ગ્રુપના ટેલિગ્રામ એકાઉન્ટ પર કાબુલ એરપોર્ટ પર આતંકી હુમલાની જવાબદારી સ્વીકારી છે. કાબુલમાં અમેરિકી દૂતાવાસે કાબુલમાં હામિદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટની બહાર બે વિસ્ફોટ બાદ અમેરિકી નાગરિકોએ એરપોર્ટ પર મુસાફરી ટાળવા અને એરપોર્ટની નજીક ન જવા માટે સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે કાબુલ એરપોર્ટ પર થયેલા હુમલામાં તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટ વચ્ચે સાઠગાંઠના હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી. ગુરુવારે અફઘાનિસ્તાનમાં કાબુલ એરપોર્ટ નજીક બે આત્મઘાતી હુમલાખોરો અને બંદૂકધારીઓ દ્વારા ટોળા પર થયેલા હુમલામાં ૧૩ અમેરિકન સૈનિક સહિત ઓછામાં ઓછા ૯૦ લોકો માર્યા ગયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. એક અફઘાન અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે એરપોર્ટ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા ૬૦ અફઘાન માર્યા ગયા અને અન્ય ૧૪૩ લોકો ઘાયલ થયા છે.જો બાઈડને કહ્યું હતું કે જો કેટલાંક કારણો પર વિશ્વાસ કરવામાં આવે તો અમેરિકા જાણે છે કે આ હુમલાનો આદેશ આપનાર ISISનો નેતા કોણ હતો. તે જ્યાં પણ હોય, મોટા લશ્કરી ઓપરેશન વગર પણ અમે તેને પકડીશું. બાઈડને એમ પણ કહ્યું હતું કે તેમણે લશ્કરી કમાન્ડરોને ISIS પર સ્ટ્રાઈક કરવાનું યોજના બનાવવા માટે કહ્યું છે. તેમણે કહ્યું હતું કે “હવે અમે અમારું પસંદ કરેલા સ્થળ અને સમય પર જવાબ આપીશું.’’કાબુલમાં થયેલા બોમ્બ-બ્લાસ્ટમાં ૧૩ અમેરિકન સૈનિક શહીદ થયા બાદ અમેરિકા અફઘાનિસ્તાનમાં ફરી સક્રિય થયું હોય એવું લાગી રહ્યું છે. રાષ્ટ્રપતિ જો બાઇડને સ્પષ્ટ કહ્યું હતું કે અમે તેમને માફ કરીશું નહીં, અમે આતંકી હુમલો કરનારાઓને પકડી પકડીને મારીશું અને સજા કરીશું. બાઇડને એમ પણ કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં અમારું મિશન હજી પૂરું થયું નથી. કાબુલમાં શહીદ થયેલા અમેરિકન શહીદ થયેલા સૈનિકોના સન્માનમાં અમેરિકાનો રાષ્ટ્રધ્વજ નમેલો રહેશે. વ્હાઈટ હાઉસ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકાનો રાષ્ટ્રધ્વજ ૩૦ ઓગસ્ટના રોજ સાંજ સુધી નમેલો રહેશે. ઉલ્લેખનીય છે કે કાબુલ એરપોર્ટ પર થયેલા વિસ્ફોટમાં ૧૩ અમેરિકન સૈનિક માર્યા ગયા હતા, જ્યારે એમાં ૧૮થી વધુ સૈનિકો ઘાયલ થયા હતા.
જો બાઇડને હુમલાખોરોને કાબુલ એરપોર્ટની બહાર થયેલા બોમ્બ-વિસ્ફોટો અંગે ચેતવણી આપી છે અને સ્પષ્ટપણે હતું કે હવે આતંકીઓએ એની કિંમત ચૂકવવી પડશે. કાબુલ એરપોર્ટ પર થયેલા આતંકી હુમલામાં અમેરિકન સૈનિકોનાં મોતથી ગુસ્સે થયેલા જો બાઈડને કહ્યું હતું કે ન તો અમે એને ભૂલીશું અને ન તો માફ કરીશું. હવે શિકાર અમે કરીશું અને આતંકીઓએ આ મોતની કિંમત ચૂકવવી પડશે. આ સાથે જ બાઇડને કહ્યું હતું કે અમે અફઘાનિસ્તાનના નાગરિકોને બચાવીશું. અમે કાબુલમાંથી અફઘાની લોકોને બહાર કાઢવાનું મિશન ચાલુ જ રાખીશું. રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે કાબુલ એરપોર્ટની બહાર થયેલા હુમલામાં માર્યા ગયેલા અમેરિકન સૈનિક હીરો હતા. તે અન્ય લોકોના જીવ બચાવવા માટે એક ખતરનાક અને નિઃસ્વાર્થ મિશનમાં રોકાયેલા હતા. બાઈડને વધુમાં કહ્યું હતું કે ઓછામાં ઓછા ૧,૦૦૦ અમેરિકન અને અન્ય ઘણા અફઘાની લોકો હજુ પણ કાબુલમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.



















