ઓમ સેવાધામ સંસ્થા દ્વારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને કોરોના કાળમાં યશસ્વી કામગીરી માટે સન્માનિત કરાયા

73

૨૧ મી સદીમાં પણ ભગવાન કૃષ્ણ સૌ કોઈ માટે પથદર્શક અને પ્રાસંગિક : એ.એસ.પી. સફિન હસન

જન્માષ્ટમી નિમિત્તે ઓમ સેવાધામ સંસ્થા દ્વારા વર્ષઃ૨૦૨૧ ના વર્ષ દરમિયાન ભાવનગર પોલીસ કોરોના વોરિયર્સ અધિકારીઓ અને કર્મચારીઓને વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યાં હતાં. મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલ ’વડિલોને દ્વારે કૃષ્ણ પધારો’ કાર્યક્રમમાં વિશેષ સેવા બદલ કુલ ૬૪ પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. દેશમાં સૌથી નાની વયના આઈ.પી.એસ ઓફિસર તથા ભાવનગર મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી સફિન હસને પોતાના મનનીય વક્તવ્યમાં જણાવ્યું કે, કૃષ્ણ એક એવાં ભગવાન છે કે જેઓ ૨૧ મી સદીમાં પણ એટલાં જ પ્રસ્તુત, પથદર્શક અને પ્રાસંગિક છે.જેટલા તેઓના અવતરણ સમયે હતાં અને આવનારા સમયમાં પણ રહેશે. જીવન કેમ જીવવું તે તેમના જીવનના દરેક પ્રસંગમાંથી શીખવા મળે છે. ભગવાન કૃષ્ણના જીવનમાં અનેક દુઃખ દર્દ હતાં. છતાં, તેઓ હસતા મુખે તમામ પરિસ્થિતિને સ્વીકારી આગળ વધતાં રહ્યાં. ક્યારેય તેઓએ વિષાદને પ્રદર્શિત થવા દીધો નથી. હંમેશા તેઓ હસતાં રહ્યાં અને આગળ વધતાં રહ્યાં હતાં.તેમણે જણાવ્યું કે, જીવન દરમિયાન તેઓએ અસંખ્ય ત્યાગ કર્યા છે. માતા પિતા હોય કે ગોકુળ, રાધા હોય કે દ્વારિકા ત્યાગ જ કર્યો છે.

રાષ્ટ્ર, વતન, કર્તવ્ય, સુરક્ષા અને ફરજ પાલન માટે પોલીસે પણ કૃષ્ણને અનુસરવા રહ્યાં. કૃષ્ણ ત્યાગની મૂર્તિ છે, બાલ્યાવસ્થા થી લઈ પ્રૌઢ તમામ વયે તેઓએ સમાજને અલગ – અલગ શીખ અને સમજણ આપી છે તેમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે ખોડિયાર પીઢાધિશ્વર મહામંડલેશ્વર પૂ. ગરીબરામબાપુએ આશીર્વચન આપતાં કહ્યું કે, કોરોના કાળ વહેલી તકે ખતમ થાય તેવી દરેક ઉપર કૃષ્ણ કૃપા કરે. સંસ્થાના સન્માન સમારોહ, પોલીસ કામગીરી અને નાના ભલુકાઓના કૃષ્ણ પ્રેમની તેઓ એ સરાહના કરી હતી. તપસી બાપુ વાડી જગ્યાના મહંત રામચંદ્રદાસબાપુએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે, કૃષ્ણને આજે આખી દુનિયા અનુસરે છે ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે વિશેષ કામગીરી બદલ પોલીસનું સન્માન ખૂબ પ્રશસનીય કાર્ય છે. આ પ્રસંગે ૧૧૪ નાના બાળકોએ કૃષ્ણ વેશભૂષા સ્પર્ધામાં ભાગ લીધો હતો. શ્રેષ્ઠ એક થી ત્રણ નંબરને એવોર્ડ આપી સન્માનિત કરાયાં હતાં. આ સમારોહમાં આધ્યાત્મિક ગુરુ શૈલેષદાદા પંડિત, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કિરીટભાઈ સોની, ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર પ્રમુખ દેવલભાઈ ઝાલા, શહેર ભાજપ અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
ઓમ સેવાધામ સંસ્થાના પ્રમુખ વિજયભાઈ કંડોલિયા, અમીબેન મહેતા, હેતલબેન પંડ્યા,વર્ષાબેન ગોહેલ, બીપીનભાઈ ઝાલા સહિતનાએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.