રાજ્યના ૧૭મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા

107

રાજભવનમાં બપોરે ૨.૨૦ કલાકે શપથ સમારોહ યોજાયો : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, હરિયાણા, એમપી તેમજ ગોવાના સીએમ સહિત કુલ ૪૦૦ લોકો હાજર : મંત્રીમંડળના સભ્યો બે દિવસમાં શપથ લેશે

ગાંધીનગર, તા.૧૩
ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે આજે રાજભવનમાં યોજાયેલા સમારંભમાં શપથ ગ્રહણ કરી લીધા છે. બપોરે ૨.૨૦ કલાકે તેમનો શપથગ્રહણ સમારંભ યોજાયો હતો. જેમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, હરિયાણા, એમપી તેમજ ગોવાના સીએમ સહિત કુલ ૪૦૦ લોકો હાજર રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલનું નામ ગઈકાલે જ નવા સીએમ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આજે માત્ર ભૂપેન્દ્ર પટેલે જ શપથ લીધા છે. તેમના મંત્રીમંડળના સભ્યો બે દિવસની અંદર નામ ફાઈનલ થયા બાદ હોદ્દાના શપથ લેશે. ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા ત્યારે પૂર્વ સીએમ વિજય રુપાણી, ડે. સીએમ નીતિન પટેલ, સીઆર પાટીલ સહિતના નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત, કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રુપાલા, દર્શના જરદોશ પણ શપથગ્રહણ સમારંભમાં હાજર રહ્યાં હતાં.
સીએમે શપથ લઈ લીધા બાદ હવે તેમની ટીમમાં કોને-કોને સામેલ કરવામાં આવે છે તેના પર સૌની નજર મંડરાયેલી છે. જેમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે, રુપાણીની ટીમના કેટલા મંત્રીઓને ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સ્થાન મળે છે અને કોની-કોની એક્ઝિટ થાય છે ? શપથ ગ્રહણ કરતા પૂર્વે ભૂપેન્દ્ર પટેલ આજે પૂર્વ ડે. સીએમ નીતિન પટેલ તેમજ પૂર્વ સીએમ વિજય રુપાણીને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. આ ઉપરાંત, તેમણે સ્વામિનારાયણ મંદિરમાં ઝઈને ભગવાનના દર્શન કરી સાધુઓના આશીર્વાદ લીધા હતા.

આ ઉપરાંત, તેમણે રાજકોટ અને જામનગરમાં પડેલા જોરદાર વરસાદની સ્થિતિની માહિતી મેળવી સ્થાનિક તંત્રને જરુર પડ્યે પૂરમાં ફસાયેલા લોકોને એર લિફ્ટ કરવા માટે સૂચના આપી હતી. અમદાવાદ શહેરની ઘાટલોડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ ૨૦૧૭માં પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડીને રેકોર્ડબ્રેક બહુમતિ સાથે જીત્યા હતા. સીએમ બનતા પહેલા તેઓ અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન, સ્કૂલ બોર્ડના અધ્યક્ષ ઉપરાંત મેમનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, ૧૧ સપ્ટેમ્બરના રોજ બપોરે વિજય રુપાણીએ અચાનક રાજભવન પહોંચીને ગવર્નરને પોતાનું રાજીનામું સુપ્રત કરી દીધું હતું. તેમના રાજીનામાંથી લોકોને જોરદાર આંચકો લાગ્યો હતો. જોકે, ત્યારથી જ નવા સીએમ કોને બનાવાશે તેને લઈને જાતભાતની અટકળો શરુ થઈ ગઈ હતી. સીએમ પદની રેસમાં પાટીલ, નીતિન પટેલ, આર.સી. ફળદુ, મનસુખ માંડવિયા સહિતના અનેક લોકો રેસમાં હતા. જોકે, રવિવારે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થતાં પણ લોકોના આશ્ચર્યનો પાર નહોતો રહ્યો.

Previous articleટી-૨૦ વર્લ્ડકપ બાદ રોહિત શર્મા કેપ્ટન બની શકે છે
Next articleદેશમાં કોરોનાનું જોર ઘટ્યું, ૨૪ કલાકમાં ૨૭૨૫૪ લોકો સંક્રમિત