ચમારડી ગામે જંગલી પ્રાણીએ એક વુદ્ધ પર હુમલો કર્યો

23

ગામલોકોએ હથિયારો વડે જંગલી પ્રાણી ઝરખને મોતને ઘાટ ઉતાર્યું
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામે ગત મોડીરાત્રે ડુંગરાળ વિસ્તારમાંથી આવી ચડેલા ઝરખ જેવાં પ્રાણીએ ગામમાં ઘૂસી ભારે ઉત્પાત મચાવ્યો હતો. ગામની શેરીના કુતરાઓને ફાડી ખાધાં બાદ એક વૃદ્ધ માલધારી પર હુમલો કરતાં વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ઘેટાં-બકરાં ચરાવી પરત ફરી રહેલા વુદ્ધ પર હુમલો કર્યો

આ સમગ્ર બનાવ અંગે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામે ઢળતી સાંજે ડુંગરાળ વિસ્તારમાં આવેલા જંગલ માથી હડકાયું થયેલું એક ઝરખ ગામમાં ઘૂસી જતાં કેટલાક કુતરાઓને ફાડી ખાધાં હતાં. તેમજ સિમ વિસ્તારમાંથી ઘેટાં-બકરાં ચરાવી પરત ફરી રહેલા એક વૃદ્ધ ચિથરભાઈ રૂખડભાઈ ચોહલા ઉ.વ.70 પર આ ઝરખે હુમલો કરી હાથે પગે બચકાં ભરતાં વુદ્ધને ઈજા પહોંચી હતી. જેથી તેને પ્રથમ સારવાર અર્થે વલ્લભીપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જયાંથી વધુ સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જયાં સારવારને અંતે વૃદ્ધ ની તબિયતમાં સુધારો જણાતા તેઓને રજા આપવામાં આવી હતી. આ દરમ્યાન આ બનાવની જાણ ગામમાં વાયુવેગે થતાં ગામનાં યુવાનો એકઠાં થયાં હતાં અને હડકાયા ભનેલા ઝરખને સિમ તરફ ખદેડી હથિયારો વડે મોતને ઘાટ ઉતાર્યું હતું. આ બનાવને પગલે ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.