દિલ્હીની રોહિણી કોર્ટમાં ફાયરિંગ : ત્રણના મોત

117

પાટનગર દિલ્હીની કોર્ટમાં સુરક્ષાની ધજ્જિયાં ઊડાવતાં બદમાશો : ગોગીના હરીફ સુનીલ માન ઉર્ફે ટિલ્લુ તાજપુરી ગેંગના બે હુમલાખોરોએ વકીલના ડ્રેસમાં આવીને તેને ઠાર કર્યો,પોલીસે હુમલાખોરોને ઠાર કર્યા
નવી દિલ્હી, તા.૨૪
રાજધાની દિલ્હીમાં રોહિણી કોર્ટ પરિસરમાં ધોળા દિવસે ગોળીબારથી હડકંપ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ગેંગ વોરમાં કોર્ટમાં ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગીનું મોત થયું છે. તેને કોર્ટમાં હાજર થવા માટે તિહાર જેલમાંથી લાવવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ગોગીના હરીફ સુનીલ માન ઉર્ફે ટિલ્લુ તાજપુરી ગેંગના બે હુમલાખોરોએ તેને ઠાર કર્યો હતો. જો કે, ત્યાં હાજર પોલીસે પણ બંને હુમલાખોરોને ઠાર માર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે બંને હુમલાખોરો વકીલના ડ્રેસમાં આવ્યા હતા અને તેમણે ગોગીને જોઈને ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, કાળો કોટ અને કાળા પેન્ટ પહેરવાને કારણે તેમને કોર્ટમાં સરળતાથી એન્ટ્રી મળી ગઈ. પછી ગોળીઓની અવાજ સાંભળીને સ્પેશિયલ સેલના જવાનો એક્શનમાં આવ્યા અને બંને હુમલાખોરોને ઘટનાસ્થળે જ ઠાર માર્યા હતા. કોર્ટરૂમમાં ફાયરિંગની ઘટનાનો એક ૧૬ સેકન્ડનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં સ્પેશિયલ સેલના જવાનો મોર્ચો સંભાળતા જોવા મળી રહ્યા છે. ગોળીઓનો અવાજ સાંભળીને વકીલ સહિતના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જીતેન્દ્ર ગોગી એ જ વ્યક્તિ છે જેના વિશે આ વર્ષે જ ખબર પડી કે તે જેલના સળિયા પાછળ રહીને પણ ગેંગ ચલાવી રહ્યો હતો. અલીપુર દિલ્હીના રહેવાસી ગોગી પર હત્યા, લૂંટફાટ, જમીન પચાવી પાડવાના કેસ નોંધાયેલા છે. જ્યારે ૨૦૧૬માં તેની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે તે ત્રણ મહિનાની અંદર કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. એક સમયે તેના પર ૪ લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું. હરિયાણા પોલીસે ૨ લાખનું ઈનામ પણ જાહેર કર્યું હતું. જો કે, બાદમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તેની ધરપકડ કરી હતી. ટિલ્લુ તાજપુરી અને જીતેન્દ્ર ગોગી બંને દિલ્હી યુનિવર્સિટીની શ્રદ્ધાનંદ કોલેજના વિદ્યાર્થીઓ હતા. કોલેજકાળથી જ બંને વચ્ચે દુશ્મની શરૂ થઈ હતી. જે એટલી વધી ગઈ કે, છેલ્લા ૩-૪ વર્ષમાં ૨૦થી વધુ ગેંગ વોર થઈ, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. દિલ્હીના બુરારી વિસ્તારમાં આ બે ગેંગ વચ્ચે ફાયરિંગ થયું હતું, જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જો કે, હવે રોહિણી કોર્ટમાં આ ગેંગ વોર બાદ સવાલો ઉભા થઈ રહ્યા છે કે હુમલાખોરો હથિયારો સાથે કોર્ટ પરિસરમાં કેવી રીતે પ્રવેશ્યા. કોર્ટની સુરક્ષાને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. દિલ્હી પોલીસના જણાવયા અનુસાર, બેંને હુમલાખોર વકીલ બનીને કોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે કોર્ટ રૂમમાં જ ગેંગસ્ટર જિતેન્દ્રને ગોળી મારી હતી. સ્પેશિયલ સેલની ટીમે જિતેન્દ્રને કોર્ટ રૂમમાં લઈ ગઈ હતી, જ્યાં આ ઘટના બની હતી. માનવામાં આવી રહ્યું છે કે, દિલ્હીની ટિલ્લૂ ગેંગે જિતેન્દ્રની હત્યા કરી છે. જે બે હુમલાખોર ઠાર માર્યા છે, તેમાં એક રાહુલ છે જેના પર ૫૦ હજારનું ઇનામ છે. જ્યારે અન્ય એક બદમાશ છે. જિતેન્દ્રને બે વર્ષ પહેલા સ્પેશિયલ સેલના ગુરૂગ્રામથી ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના જણાવ્યા અનુસાર જીતેન્દ્ર ગોગીએ ગુના દ્વારા ઘણી સંપત્તિ કમાઈ હતી. જીતેન્દ્ર ગોગીના નેટવર્કમાં ૫૦ થી વધુ લોકો છે. ઉલ્લેખનીય છે કે, જિતેન્દ્ર ગોગીના વર્ષ ૨૦૨૦ માં ગુરૂગ્રામથી ધરપકડ કરી હતી. ગોગીની સાથે કુલદીપ ફજ્જાની પણ ધરપકડ કરવામાં આવી હતી. કુલદીપ ફજ્જા બાદમાં ૨૫ માર્ચના કસ્ટડીથી ફરાર થઈ ગયો હતો. ફજ્જા જીટીબી હોસ્પિટલથી ફરાર થયો હતો. ત્યારબાદ તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.

Previous articleઆઈપીએલ ૨૦૨૧માં હાર્દિક પંડ્યા ટી ૨૦ વર્લ્ડ કપ નહીં રમે
Next articleછેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૧૩૮૨ નવા પોઝિટિવ કેસ