ઉત્તર-પશ્ચિમ ભારતમાં સમગ્ર સપ્તાહ કોલ્ડ વેવ જારી રહેશે

73

ભારતીય હવામાન વિભાગની આગાહી : પારો ત્રણથી પાંચ ડિગ્રી ગગડી શકે છે, દિલ્હી, હરિયાણા, પંજાબ, યુપી, રાજસ્થાન, ગુજરાતમાં ઠંડી અનુભવાશે
નવી દિલ્હી, તા.૨૫
ઉત્તર પશ્ચિમ ભારતમાં આખુ અઠવાડિયું કોલ્ડ વેવ જારી રહેશે તેમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે. તેના લીધે ઉત્તર-પશ્ચિમ અને મધ્યમ ભારતમાં આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન બીજા ત્રણથી પાંચ ડિગ્રી ગગડી શકે છે. આના લીધે આગામી દિવસોમાં દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ગુજરાતમાં ગાત્રો ધુ્રજાવતી ઠંડી અનુભવાઈ શકે છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત આગામી દિવસોમાં ઠંડીનો પ્રહાર સહન કરવા તૈયાર રહે. લઘુત્તમ તાપમાન દસ ડિગ્રીથી અને મહત્તમ તાપમાન ૪.૫ ડિગ્રીથી પણ વધારે નીચું હોય ત્યારે ગાત્રો ગાળતી ઠંડી જોવા મળે છે. લઘુત્તમ તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ સુધી થઈ જાય અથવા તો તે સરેરાશ તાપમાન કરતા ૬.૪ ડિગ્રી જેટલું ઓછું હોય ત્યારે આત્યંતિક ઠંડી જોવા મળે છે. ધુમ્મસના લીધે વિઝિબિલિટી શૂન્યથી ૫૦ મીટરની થાય તો તેને અત્યંત તીવ્ર ધુમ્મસ કહેવાય છે, ૫૧થી ૨૦૦ મીટર હોય તો તેને ગાઢ ધુમ્મસ કહેવાય છે, ૨૦૧થી ૫૦૦ મીટર હોય તો તેને સામાન્ય ધુમ્મસ કહેવાય છે તથા ૫૦૧થી ૧૦૦૦ મીટરની વચ્ચે હોય તેને હળવુ ધુમ્મસ કહેવાય છે. કાશ્મીરના કેટલાય હિસ્સામાં ગુલમર્ગ સિવાયના વિસ્તારોમાં તાપમાન સરેરાશ કરતાં વધારે હતું. સાઉથ કાશ્મીરમાં ખીણના કેટલાક વિસ્તારોમાં નવેસરથી હિમવર્ષા જોવા મળી છે. પ્રવાસન્‌ સ્થળ પહલગામમાં પાંચ ઇંચ જેટલો બરફ પડયો હતો, જ્યારે કોકનબર્ગમાં બે ઇંચ બરફ પડયો હતો. આ ઉપરાંત સોનમર્ગ સહિત ખીણના કેટલાક ઉપલા વિસ્તારોમાં પણ હિમવર્ષા થઈ છે. રવિવારે રાત્રે મોટાભાગના સ્થળોએ તાપમાન નીચે ઉતર્યુ હતું. શ્રીનગરમાં તાપમાન અગાઉની રાત્રિના ૦.૪ ડિગ્રીથી વધીને ૨.૮ ડિગ્રી થયું હતું. ગુલમર્ગમાં તાપમાન માઇનસ છ ડિગ્રીથી ઘટીને માઇનસ નવ ડિગ્રી થયું હતું.પહલગામમાં તાપમાન માઇનસ ૦.૮ ડિગ્રીથી ઘટીને માઇનસ ૧.૮ ડિગ્રી થયું હતું. કોકનબર્ગમાં તાપમાન માઇનસ બે ડિગ્રી હતું. જ્યારે કાઝીગુંદમાં લઘુત્તમ તાપમાન ૦.૨ ડિગ્રી હતું. રાજસ્થાનના કેટલાય વિસ્તારોમાં તાપમાનનો પારો નીચે ઉતર્યો છે. ૩.૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ચિત્તોડગઢ સૌથી ઠંડુ સ્થળ હતું. કરૌલીમાં રાત્રે ૩.૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. સિકર અને ભીલવારાએ કમસેકમ ચાર ડિગ્રી તાપમાન નોંધાવ્યું હતું. ફતેહપુર અને અંટામાં રાત્રિ તાપમાન ૪.૪ ડિગ્રી હતું. દાભોકમાં ૪.૬ ડિગ્રી, નાગૌરમાં ૫.૬ ડિગ્રી, વનસ્થલીમાં ૬.૧ ડિગ્રી, અજમેરમાં ૬.૨ ડિગ્રી, જયપુરમાં ૭.૧ ડિગ્રી અને પિલાનીમાં ૭.૮ ડિગ્રી તાપમાન હતું. હિમાચલપ્રદેશમાં ધર્મશાળામાં બે કિશોરો હિમવર્ષામાં સપડાતા મૃત્યુ પામ્યા હતા. તેઓ હિમાચલના કાંગરા જિલ્લામાં દૌલાધાર માઉન્ટેન રેન્જમાં રાઇઝિંગ સ્ટાર હિલસ્ટોપ ખાતે ટ્રેકિંગમાં જવા નીકળ્યા હતા. બીજા બેને પોલીસે બચાવી લીધા હતા.

Previous articleકોરોનામાં ધૂમધામ ઓછી પણ રાષ્ટ્ર ભાવના સશક્ત : રાષ્ટ્રપતિ
Next articleજિલ્લા કક્ષાના ૭૩મા પ્રજાસતાક પર્વની ભાવનગર ખાતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ