ક્રિકેટે દિલ તોડી નાખતાં હવે ટીમ ઈન્ડિયાની વિસ્ફોટક મહિલા બેટર હૉકીમાં કૌશલ બતાવશે

79

નવીદિલ્હી,તા.૮
ભારતની વિસ્ફોટક મહિલા બેટર જેમિમા રોડ્રિગ્સ હવે હોકીના મેદાન ઉપર કૌવત બતાવશે. ભારતીય વર્લ્‌ડકપ ટીમમાં પસંદગી ન થતાં તેનું દિલ તૂટી ગયું હતું જે પછી રોડ્રિગ્સે હોકીમાં કૌશલ બતાવવાનો નિર્ણય લીધો હતો. તે મુંબઈના વિલિંગ્ડન કૈથોલિક જિમખાના રિન્ક ટૂર્નામેન્ટમાં અંકલ્સ કિચન યુનાઈટેડ સ્પોર્ટસ ટીમનું પ્રતિનિધિત્વ કરશે.ટીમે ઈન્સ્ટાગ્રામ ઉપર ભારતીય બેટર સાથે તસવીર શેયર કરીને આ અંગેની જાણકારી આપી છે. તસવીરમાં જેમિમા હોકી સ્ટિક સાથે જોવા મળી રહી છે. ૨૧ વર્ષીય જેમિમાએ ભારત માટે ૨૧ વન-ડે અને ૫૦ ટી-૨૦ મેચ રમ્યા છે જેમાં ૩૯૪ રન અને ૧૦૫૫ રન બનાવ્યા છે. ક્રિકેટ ઉપરાંત તેને હોકીમાં પણ બાળપણથી જ રસ હતો. પોતાની સ્કૂલ માટે તે હૉકી ટૂર્નામેન્ટ પણ રમતી હતી. ૯ વર્ષની ઉંમરે તેણે મહારાષ્ટ્રની અન્ડર-૧૭ હોકી ટીમમાં જગ્યા પણ બનાવી લીધી હતી. તેણે પાછલા દિવસોમાં બે કલાકની પ્રેક્ટિસ દરમિયાન ડ્રિબલિંગ, પાસિંગ ઉપરાંત સ્કોરિંગ કર્યું હતું. જેમિમા જે ટૂર્નામેન્ટ રમવાની છે તે ૧૧થી ૧૬ ફેબ્રુઆરી સુધી ચાલશે. બીજી બાજુ માર્ચ-એપ્રિલમાં ન્યુઝીલેન્ડમાં આઈસીસી મહિલા વર્લ્‌ડકપનું આયોજન થવાનું છે. આ ટૂર્નામેન્ટ માટે જેમિમાને ટીમમાં તક મળી નથી જેના કારણે પસંદગી ઉપર પણ સવાલો ઉભા થયા હતા. સાત વર્ષની ઉંમરમાં જેમિમાને ચર્ચના ફાધરની પુત્રીએ હૉકી સ્ટિક આપી હતી અને તેની સાથે હૉકી રમવા માટે કહ્યું હતું. આ પછી સ્કૂલમાં જેમિમા હૉકી અને ક્રિકેટ બન્ને રમતી હતી. પૂર્વ ભારતીય ગોલકિપર એડ્રિયન ડિસૂઝા પણ જેમિમાની હૉકી સ્કિલ્સથી પ્રભાવિત છે. તેમનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વ્યસ્ત હોવા છતાં જેમિમા હૉકીને ભૂલી નથી તે વાતનો આનંદ છે. જેમિમાના અમુક મૂવ્સ અત્યંત જોરદાર છે.

Previous articleમૌની રોય ધરતી પરના સ્વર્ગ કાશ્મીરમાં
Next articleઅમદાવાદ બ્લાસ્ટ કેસમાં ૪૯ આરોપી દોષિત ઠર્યા, આજે સજા