બોટાદ જિલ્લામાં અપૂરતા વરસાદના કારણે ઉભી થયેલી વિપરીત પરિસ્થિતિમાં જિલ્લાના ખેડૂતોને તેમનો પાક બચાવવા સિંચાઈ માટે નર્મદાના નીર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા નર્મદાની બોટાદ શાખા કેનાલમાં સપ્ટેમ્બર માસથી નર્મદાના નીર વહેવડાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ આ પાણીની આવકની સામે ખેડૂતો દ્વારા સિંચાઈમાં પાણીનો વધુ ઉપયોગ થવાના કારણે બોટાદ જિલ્લાના છેવાડાના વિસ્તારોના ખેડૂતો સુધી નર્મદાના પાણી પૂરતા પ્રમાણમાં ન પહોંચી શકવાના કારણે ખેડૂતોને સિંચાઈ માટે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બોટાદ શાખા નહેર ઉપર મશીન – બકનળીઓ મૂકીને અનઅધિકૃત રીતે પાણીનું વહન ન કરવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત પાણીનો પૂરતો જથ્થો છેવાડાના વિસ્તારો સુધી પહોંચે તે માટે સબંધિત વિસ્તારોનું સઘન પેટ્રોલીંગ પણ કરવામાં આવી રહયું છે.
બોટાદ જિલ્લાના ખેડૂતો સુધી નર્મદાના નીર પહોંચે અને બોટાદ શાખા નહેરમાંથી અનઅધિકૃત રીતે કોઈ પણ વ્યક્તિ પાણીનો ઉપયોગ ન કરે અને પાણીનો ખોટો વ્યય થતો અટકાવવા માટે તકેદારીના સઘન પગલા રૂપે બોટાદ જિલ્લા કલેકટર સુજીત કુમાર અને જિલ્લા પોલીસ અધિકારી ભગીરથસિંહ જાડેજાએ નર્મદા વિભાગના અધિકારીઓની ટીમ સાથે બોટાદ શાખા નહેરની સાંકળ ૭૩ થી ૪૨ સુધી એટલે કે, સેંથળી થી કેરીયા સુધીની નર્મદા કેનાલની મુલાકાત લઈ જાત નિરીક્ષણ કર્યું હતુ.
જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિકારીની આ મુલાકાત દરમિયાન નર્મદા કેનાલના રૂટ ઉપર અનઅધિકૃત રીતે પાણી વહન કરતાં મશીનો – બકનળીઓ તેમજ સાળંગપુર ગામ પાસે કેનાલમાં ઉભા કરવામાં આવેલ અવરોધ સહિતના વિવિધ સ્થળે જોવા મળેલા અવરોધોને તાત્કાલિક દૂર કરાવ્યા હતા.
















