પત્રકાર જમાલ ખશોગીની હત્યા મામલે નવો ખુલાસો થયો છે. એક રિપોર્ટ અનુસાર, ખશોગીની સાઉદી એમ્બેસીથી ગૂમ થયાના સમાચાર સાર્વજનિક થયા બાદ પ્રિન્સ સલમાને ખુદ અમેરિકા ફોન કરીને સ્થિતિ સમજાવવાની કોશિશ કરી હતી. જો કે, તેઓએ અમેરિકન સુરક્ષા સલાહકાર (એનએસએ) જ્હોન બોલ્ટન અને ટ્રમ્પના જમાઇ જેરેડ કુશનર સામે ખશોગીની નકારાત્મક છબી રજૂ કરી હતી.
રિપોર્ટ અનુસાર સલમાને ૯ ઓક્ટોબર એટલે કે ખશોગીના ગૂમ થયાના એક અઠવાડિયા બાદ ફોન પર બંનેને કહ્યું કે, ખશોગી કટ્ટરપંથી સંગઠન મુસ્લિમ બ્રધરહૂડનો ભાગ છે અને તેથી જ તે એક ખતરનાક પત્રકાર છે.
સલમાને અમેરિકાને અપીલ કરી હતી કે, આ મામલે કોઇ પણ પગલાં લેતા પહેલાં તેણે બંને દેશોના મજબૂત સંબંધો વિશે વિચારવું જોઇએ. જો કે, સલમાનની તરફથી પર્સનલ ફોન કોલમાં કહેલી સાઉદી શાસનના એ નિવેદનથી તદ્દન વિરૂદ્ધ છે, જેમાં પત્રકારની હત્યાને મોટી ભૂલ ગણાવી હતી.
ફોન કોલ પર થયેલી ચર્ચાની જાણકારી રાખનાર એક વ્યક્તિએ મીડિયાને જણાવ્યું કે, બોલ્ટન સામે સાઉદી પ્રિન્સ તરફથી રજૂ કરવામાં આવેલી ખશોગીની છબી પર વધારે ધ્યાન આપવામાં આવ્યું નથી. જો કે, સાઉદીના એક અધિકારીએ ફોન કોલ પર આ પ્રકારની કોઇ પણ વાતચીતનો ઇનકાર કર્યો હતો.



















